રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે.ધારાસભ્યોના સંખ્યાબળને ધ્યાનમાં લઇને કોંગ્રેસ રાજ્યસભાની બે બેઠક જીતવાનો દાવો કરતી હતી પરંતુ કોંગ્રેસમાંથી એક પછી એક ધારાસભ્યોનું રાજીનામું પડતા કોંગ્રેસ રાજ્યસભાની એક જ બેઠક જીતી શકશે તેવું લાગી રહ્યું છે.કોંગ્રેસના ધારાસભ્યો એક રહે તેટલા માટે ધારાસભ્યોએન જયપુર લઇ જવામાં આવ્યા છે. કોંગ્રેસે ધારાસભ્યને એક રાખવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા પરંતુ તેમની મહેનત ક્યાંકને ક્યાંક નિષ્ફળ નીવડી હોય તેવું દેખાઈ રહ્યું છે.
રિપોર્ટ અનુસાર કોંગ્રેસમાં પાંચ ધારાસભ્યો એકાએક ગાયબ થઇ ગયા છે અને આ ધારાસભ્યોનો સંપર્ક તેમના પરિવારના સભ્યો કે પાર્ટીના કોઈ પણ સભ્યને થઇ શક્યો નથી. પાંચ ધારાસભ્યોમાં તળાજાના ધારાસભ્ય કનુ બારૈયા, જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા, વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયા અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીનો સમાવેશ થાય છે. સુત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે,આ તમામ ધારાસભ્યો ભાજપનાં કેમ્પમાં જતા રહ્યા છે અને ભાજપના જ કહેવાથી ગુમ થયા છે.
તો બીજી તરફ કોંગ્રેસમાંથી ધારાસભ્યોના રાજીનામાં પડવાનો દોર શરૂ થઇ જતા વિપક્ષના નેતા પેરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું હતું કે, ‘અપ-પ્રચારથી આઘા રેજો, હાલ કોંગ્રેસના એક પણ ઈમાનદાર ધારાસભ્યશ્રીએ રાજીનામું આપ્યું નથી.’
આ પાંચ ધારાસભ્યો ઉપરાંત રાજુલાના ધારાસભ્ય અમરીસ ડેર ભાજપમાં જોડાઈ શકે છે તેવી વાતો વહેતી થતા અમરીસ ડેરે મીડિયા સાથે વાતચીત કરતા ખુલાસો કર્યો હતો કે હું કોંગ્રેસમાં રહેવાનો છું અને હાલ મારા વિસ્તારમાં રામ કથાના આયોજનમાં વ્યસ્ત છું.
કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે ભાજપમાં જોડાવાની વાતને લઇ કહ્યું હતું કે,હું જંબુસરના ધારાસભ્ય સંજયસિંહ સોલંકીની સાથે વડોદરાથી દિલ્હી અંગત કામ માટે જઈ રહ્યો છું. હું ભાજપમાં જોડાવાનો નથી અને જયપુર પણ જવાનો નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામાં પડવાના ઘટના ક્રમમાં બપોર પછી અક્ષય પટેલે પણ ભાજપમાં જોડાવવાની તૈયારીઓ દર્શાવી હતી.