કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ દુખી થઇ રહ્યાં છે.તેમની પાંખો કપાઇ રહી છે.ભાજપના પ્રદેશ પ્રમુખના આકરા વલણ પછી તેમજ દિલ્હી સુધી કેટલીક ફરિયાદો મળતાં જેમને હોદ્દા મળ્યા છે તેવા કોંગ્રેસના નેતાઓ પાસેથી કેટલાક અધિકાર છીનવી લેવામાં આવ્યા છે.કોંગ્રેસમાંથી આવેલા અને ગુજરાત સરકારમાં કેબિનેટમંત્રી તરીકે નિયુક્તિ થયા પછી કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા અને રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના પાવર મર્યાદિત કરી દેવામાં આવ્યા હોવાની ચર્ચાએ સચિવાલયમાં જોર પકડ્યું છે ત્યારે વધુ એક નેતાની પાંખો કાપી નાંખવામાં આવી છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હાલ જીઆઇડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપૂત હવે માત્ર નામના જ ચેરમેન રહ્યાં છે.રાજ્યસભામાં ઉપયોગ કર્યા પછી રૂપાણી સરકારમાં તેમને આ નિગમમાં ચેરમેનનું પદ આપવામાં આવ્યું હતું પરંતુ તેમની કચેરી કોંગ્રેસના કાર્યકરોનો અડ્ડો બની જતાં તેમની સાથે કામ કરતા ઉચ્ચ અધિકારીઓને કહી દેવામાં આવ્યું છે કે તેમણે ચેરમેનના બઘાં આદેશ માનવા નહીં.
સચિવાલયમાં ચર્ચાઇ રહ્યું છે કે ભાજપ કરતાં કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોના વધુ કામો થાય છે તેથી આ છાપ દૂર કરવા માટે કોંગ્રેસના જે નેતાઓ સત્તામાં છે તેમની પાંખો કાપવા માટે અધિકારીઓને ઉચ્ચકક્ષાએથી આદેશ કરવામાં આવ્યા છે.આ નેતાઓ કે તેમના સમર્થકોના અંગત કામો કરવા નહીં તેવા મૌખિક આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ભાજપની સરકારમાં કોંગ્રેસની છાપ ભૂંસવા માટે જ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કેબિનેટના મંત્રીઓને સપ્તાહમાં બે દિવસ સુધી પાર્ટીના મુખ્ય કાર્યાલય કમલમમાં હાજર રહેવા અને પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકર્તાઓના કામો કરવા જણાવ્યું છે.આ આદેશનું પાલન કોંગ્રેસમાંથી આવેલા મંત્રીઓએ પણ કરવાનું છે.ગયા સોમવાર અને મંગળવારે બે મંત્રીઓએ ભાજપના કાર્યકરોના સાંભળ્યા હતા અને તેમના 50થી વધુ પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવાની સૂચના આપી હતી.