– જૂનાજોગી નહી,યુવાનેતાને કોંગ્રેસનું સુકાન સોંપો
– પ્રદેશ પ્રમુખ,વિધાનસભા વિપક્ષના નેતાની નિમણૂક પહેલાં જ કોંગ્રેસમાં મતભેદ ચરમસીમાએ
અમદાવાદ : સ્વ.અહેમદ પટેલના અવસાન બાદ ભરતસિંહ સોલંકીએ ગુજરાત કોંગ્રેસ પર રાજકીય કબજો મેળવવા ધમપછાડા શરૂ કર્યાં છે પરિણામે ફરી કોંગ્રેસમાં જૂથબંધી વકરી છે.કોંગ્રેસ નેતા નરેશ રાવલના નિવાસસ્થાને મળેલી બેઠકમાં એવો સૂર ઉઠયો હતોકે,જુના જોગી નહી,યુવા નેતાને ગુજરાત કોંગ્રેસના સુકાની બનાવો.ગુજરાતમાં વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસ વર્ષોથી સત્તાથી વિમુખ છે ત્યારે હજુ આંતરિક ખેંચતાણને કારણે આ સંઘ કાશીએ પહોચશે કે કેમ તે સવાલ ઉભો થયો છે.
ભરતસિંહ સોલંકીને ફરી ગુજરાત કોંગ્રેસનુ પ્રમુખપદ મેળવવુ છે પણ અંદરખાને કોંગ્રેસના મોટા નેતાઓ જ વિરોધ કરી રહયાં છે.આ અગાઉ ઠાકોર-કોળી નેતાઓની બેઠકમાં ય અવાજ ઉઠયો હતોકે,ભરત સોલંકીના વખતમા ંજ કોંગ્રેસ નેસ્તનાબુદ થઇ છે.વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં સારૂ પરિણામ લાવી શક્યા નથી. આ બેઠકમાં ય કોંગ્રેસના નેતાઓનો એક સૂર હતોકે, જૂના જોગીઓ હવે ઝાઝુ ઉકાળી શકે તેમ નથી.આ સંજોગોમાં યુવા નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવા જોઇએ.ટૂંકમાં અહેમદ પટેલ જૂથના નેતા-ધારાસભ્યોએ આડકતરી રીતે ભરત સોલંકી પ્રદેશ પ્રમુખ ન બને તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.સાથે સાથે શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓ ઘરવાપસી કરવા ઇચ્છુક તે અંગે પણ કોંગ્રેસના નેતાઓમાં આંતરિક ઘુઘવાટ છે.કોંગ્રેસના નેતાનુ કહેવુ છેકે, સ્વ.રાજીવ સાતવે ધારાસભ્યોને મળી એક રિપોર્ટ તૈયાર કર્યો હતો પણ તે સોનિયા ગાંધી સુધી પહોંચ્યો નથી.જેમાં ય આ વાત કરવામાં આવી છે.આગામી વિધાનસભાની ચૂંટણી જીતવી કોંગ્રેસ માટે જરૂરી છે નહીતર પક્ષ નેસ્તોનાબૂદ થઇ જશે.


