નવી દિલ્હી,તા.11.નવેમ્બર : કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદનુ પુસ્તક સનરાઈઝ ઓવર અયોધ્યાને લઈને કોંગ્રેસ પાર્ટીમાં પણ આંતરિક વિવાદ સર્જાય તેમ લાગી રહ્યુ છે.
ખુરશીદે પોતાના પુસ્તકમાં કોંગ્રેસની અંદર પણ હિન્દુત્વ સમર્થખ નેતાઓની વાત કરી છે અને કહ્યુ છે કે, મારી પાર્ટીમાં પણ ઘણી વખત ચર્ચા હિન્દુત્વના મુદ્દા તરફ વળી જતી હોય છે.કોંગ્રેસમાં નેતાઓનો એક વર્ગ એવો પણ છે જેમને એ વાતનો અફસોસ છે કે કોંગ્રેસની ઈમેજ લઘુમતીઓનુ સમર્થન કરતી પાર્ટી તરીકેની છે.આ નેતાઓ કોંગ્રેસની લીડરશીપની જનોઈધારી ઓળખ હોવી જોઈ તે વાતની તરફેણ કરે છે.તેમણે આગળ લખ્યુ છે કે, કોંગ્રેસના નેતાઓના આ જૂથે અયોધ્યા પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ જાહેરાત કરી હતી કે, આ સ્થળે ભવ્ય મંદિર બનવુ જોઈએ.આ જૂથ દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાના એ હિસ્સાની અવગણના કરાઈ હતી જેમાં કહેવાયુ હતુ કે મસ્જિદ માટે પણ જમીન આપવામાં આવે.

