– નવા ફેરબદલમાં રાહુલની ટીમનું મહત્વ વધ્યું, પ્રિયંકા ઉત્તર પ્રદેશ, સુરજેવાલ કર્ણાટકના પ્રભારી
નવી દિલ્હી, તા. 11 સપ્ટેમ્બર : કોંગ્રેસમાં કાયમી પક્ષપ્રમુખના મુદ્દે સોનિયા ગાંધીને 2૩ વરિષ્ઠ સભ્યોના પત્ર વિવાદ પછી આખરે પક્ષમાં કાયકલ્પની કવાયત શરૂ થઈ છે, જેના ભાગરૂપે શુક્રવારે સોનિયા ગાંધીને પત્ર લખનારા બળવાખોર નેતાઓના સૂત્રધાર ગુલામ નબી આઝાદ સહિત છ વરિષ્ઠ નેતાઓને મહાસચિવપદેથી દૂર કરાયા છે.
વધુમાં કોંગ્રેસ કારોબારીમાં લેવાયેલા નિર્ણય મુજબ સોનિયા ગાંધીને સલાહ આપવા માટે છ સભ્યોની એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવી છે.પક્ષમાં ફેરબદલની આ કવાયતમાં રાહુલ ગાંધીની ટીમને વિશેષ મહત્વ અપાયું છે.પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશનો પ્રભાર સોંપાયો.
કોંગ્રેસે 24મી ઓગસ્ટે રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં થયેલી સમજૂતી મુજબ પક્ષમાં મોટાપાયે ફેરફાર કર્યા હતા,જેના ભાગરૂપે ગુલામનબી આઝાદ,અંબિકા સોની, મોતીલાલ વોરા અને મલ્લિકાર્જુન ખડગેને મહાસચિવપદેથી હટાવાયા છે.
ઉપરાંત સીડબલ્યુસીની નવેસરથી રચના કરાઈ છે.કોંગ્રેસમાં થયેલા આ ફેરબદલમાં સોનિયા ગાંધીને પત્ર લખનારા બળવાખોર નેતાઓ ગુલામનબી આઝાદ અને આનંદ શર્માને માત્ર કારોબારી સમિતિના સભ્યપદે રખાયા છે તેમજ કપિલ સિબલનું કદ પણ ઘટાડી દેવાયું છે.
જિતિન પ્રસાદને ઉત્તર પ્રદેશમાંથી ખસેડીને બંગાળના પ્રભારી બનાવાયા છે,જ્યાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.આમ,આ ફેરબદલમાં બળવાખોર 2૩ નેતાઓને હાંસિયામાં ધકેલી દેવાયા છે.સોનિયા ગાંધીએ પી. ચિદમ્બરમ્, જિતેન્દ્ર સિંહ, તારિક અનવર અને રણદીપ સુરજેવાલને સીડબલ્યુસીના નિયમિત સભ્યો બનાવ્યા છે.
વધુમાં સોનિયા ગાંધીને સલાહ આપવા માટે છ સભ્યોની ઉચ્ચ સ્તરીય સલાહકાર સમિતિ બનાવવામાં આવી છે,જેમાં અહેમદ પટેલ,એકે એન્ટની,અંબિકા સોની,કેસી વેણુગોપાલ,મુકુલ વાસનિક અને રણદીપ સુરજેવાલનો સમાવેશ થાય છે.
આશા કુમારીને પંજાબમાંથી હટાવાયાં છે.હરિશ રાવત હવે પંજાબ કોંગ્રેસના પ્રભારી મહાસચિવનું પદ સંભાળશે.પક્ષમાં રણદીપસિંહ સુરજેવાલનું કદ વધી ગયું છે. કોંગ્રેસ કારોબારીમાં રાહુલ ગાંધીનું કદ હજી પણ ઊંચું છે.
વચગાળાના પક્ષપ્રમુખ સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પછી ત્રીજું સૃથાન રાહુલ ગાંધીનું છે.પક્ષમાં નવા ફેરફારમાં રાહુલ ગાંધીની ટીમનું મહત્વ વધ્યું છે. રાહુલ ગાંધીના નજીકના નેતા મધુસુદન મિસ્ત્રીનું કદ વધ્યું છે.મિસ્ત્રીને કેન્દ્રીય ચૂંટણી સમિતિના અધ્યક્ષ બનાવાયા.સીડબલ્યુસીમાં સમાવેશ ઉપરાંત સુરજેવાલને કર્ણાટકના પ્રભારી પણ બનાવાયા છે.


