કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે.ત્યારે ભાજપ અને કોંગ્રેસ તેમના પક્ષના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.ગુજરાતમાં તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે.લોકડાઉન પહેલા પણ રાજ્ય સભાની ચૂંટણીની જાહેરાત થઈ હતી ત્યારે પણ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પોતાના રાજીનામા ધરી દીધા હતા.હવે ફરીથી રાજ્ય સભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ત્યારે પણ કોંગ્રેસમાંથી ધારાસભ્યના રાજીનામા પડવાના શરૂ થઈ ગયા છે.
ગુજરાત કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાબતે વિધાનસભાના અધ્યક્ષે સ્પષ્ટતા પણ કરી છે કે,બંને ધારાસભ્યોએ તેઓને રૂબરૂ મુલાકાત લઈને રાજીનામા આપ્યા હતા.તો બીજી તરફ હજુ કોંગ્રેસના વધુ બે ધારાસભ્યો પક્ષ છોડે તેવી ચર્ચાએ જોર પકડયું હતું અને આ બે ધારાસભ્યો ભિલોડા અને મેઘરજ વિધાનસભાના ધારાસભ્ય ડૉક્ટર અનિલ જોષીયારા અને ઠાસરા વિધાનસભાન ધારાસભ્ય કાંતિ પરમારનું નામ સામે આવ્યું હતું પરંતુ આ બંને ધારાસભ્યોએ કોંગ્રેસ છોડવાની વાતને અફવા ગણાવી હતી અને તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે,તેઓ કોંગ્રેસ છોડીને ક્યાંય જવાના નથી.અમે કોંગ્રેસમાં જ રહેવાના છીએ.
રિપોર્ટ અનુસાર કોંગ્રેસના બે ધારાસભ્યોના રાજીનામા પડતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા બંનેએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કોંગ્રેસને આડેહાથે લીધી હતી હવે જ્યારે ભિલોડાના અને મેઘરજના ધારાસભ્ય ડૉક્ટર અનિલ જોષીયારા અને ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમારના પક્ષ છોડવાની ચર્ચા ચાલી રહી છે.તેમાં બંને ધારાસભ્યોએ આ બાબતે સ્પષ્ટતા કરી હતી.
ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમારે જણાવ્યું હતું કે,મારા વિરોધીઓ પાયા વગરની અફવા ફેલાવી રહ્યા છે.હું કોઈ પણ પ્રકારે નારાજ નથી અને વળી રાજકીય લાભ માટે કોંગ્રેસ પક્ષ છોડવાનો પ્રશ્ન થતો નથી.હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં જ રહેવાનું છે.ભિલોડા અને મેઘરજના ધારાસભ્ય ડૉક્ટર અનિલ જોષીયરાએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસી છું અને હમેશા કોંગ્રેસમાં રહીશ.હું ધારાસભ્ય તરીકે રાજીનામું આપવાનો છું તે વાતનું મને પણ આશ્ચર્ય છે.આવી ખોટી અફવાઓથી મારી કોંગ્રેસ પક્ષ પ્રત્યેની વફાદારીમાં કોઈ પણ ફરક પડવાનો નથી.


