ઉદયપુર : દેશના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલી કોંગ્રેસનું પુનર્જીવન કરીને આગામી ચૂંટણીઓ માટે સજ્જ કરવા માટે રાજસ્થાનના ઉદયપુરમાં ત્રણ દિવસની ‘ચિંતન શિબિર’ની શુક્રવારે શરૂઆત થઈ હતી.અસાધારણ પરિસ્થિતિઓ માટે અસાધારણ પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકતાં પક્ષપ્રમુખ સોનિયા ગાંધીએ કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફારોની હાકલ કરી હતી.આ સાથે કોંગ્રેસમાં ‘એક પરિવારને એક ટિકિટ’ની ફોર્મ્યુલા પર સંમતિ સધાઈ હોવાનું મનાય છે.જોકે, તેમાં ગાંધી પરિવારને વિશેષ છૂટ અપાશે.
રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની ‘ચિંતન શિબિર’ શુક્રવારથી શરૂ થઈ, જેમાં પક્ષપ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત સમગ્ર દેશમાંથી કોંગ્રેસના ૪૦૦થી વધુ મોટા નેતા હાજર રહ્યા છે.ચિંતન શિબિરને સંબોધન કરતાં સોનિયા ગાંધીએ ભાજપ-આરએસએસ પર નિશાન સાધ્યું હતું.તેમણે કહ્યું કે, ભાજપ અને આરએસએસની નીતિઓના કારણે દેશ જે પડકારોનો સામનો કરી રહ્યો છે, તેના પર વિચાર કરવા માટે આ શિબિર ખૂબ જ સારી તક છે.આ શિબિરમાં દેશના મુદ્દાઓ પર ચિંતન અને પક્ષ સામેની સમસ્યાઓ પર આત્મચિંતન બંને થશે.
તેમણે ઉમેર્યું કે, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે વડાપ્રધાન મોદી અને તેમના સાથીઓ હકીકતમાં તેમના સૂત્ર ‘મહત્તમ શાસન, લઘુત્તમ સરકાર’નો શું અર્થ છે.તેનો અર્થ છે દેશને ધુ્રવીકરણની સ્થાયી સ્થિતિમાં રાખવો, લોકોને સતત ભય અને અસલામતીની સ્થિતિમાં રહેવા મજબૂર કરવા, લઘુમતીઓને નિશાન બનાવવા, અને તેમને નિશાન બનાવવા.સોનિયા ગાંધીએ કબૂલ્યું કે પક્ષના નેતાઓએ કામ કરવાની પદ્ધતિ બદલવી પડશે.આપણે પક્ષને વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓથી ઉપર રાખવો પડશે.પક્ષે આપણને ઘણું આપ્યું છે અને હવે તે ચૂકાવવાનો સમય આવી ગયો છે.પક્ષમાં ધરમૂળથી પરિવર્તનની જરૂર છે.
આ નવ સંકલ્પ શિબિરમાં પક્ષ ‘એક પરિવાર, એક ટિકિટ’ની ફોર્મ્યુલા સહિત અનેક માળખાગત સુધારાઓ કરે તેવી શક્યતા છે.કોંગ્રેસમાં અત્યાર સુધી વર્ષોથી ચાલી આવતા પદોમાં કોઈ ફેરફાર કરાયો નહોતો, પરંતુ હવે તેમાં બૂથ સ્તરથી ઉપર સુધી પરિવર્તન થઈ શકે છે.કોંગ્રેસ નેતા અજય માકને કહ્યું કે, પક્ષમાં કોઈ પણ નેતાના સંબંધી, પુત્ર અથવા પુત્રીને ત્યારે જ ટિકિટ અપાશે જ્યાં સુધી તે પાંચ વર્ષ પક્ષમાં કામ નહીં કરે.એટલે કે અન્ય પક્ષમાંથી આવેલાને ટિકિટ નહીં અપાય.ભાજપની જેમ કોંગ્રેસમાં પણ મંડલ રચના કરાશે.દરેક ૧૫-૨૦ બૂથ પર એક મંડલ બનશે. ત્રણ-ચાર મંડલ પર એક બ્લોક બનશે.પક્ષમાં સરવે માટે કાયમી વિભાગ બનાવાશે, જે સતત જનતા વચ્ચે જઈને ફીડબેક લેશે.વધુમાં સારું કામ કરતા કાર્યકરોને રિવોર્ડ અપાશે અને ખરાબ કામ કરનારાને સજા અપાશે.કોઈપણ વ્યક્તિ પાંચ વર્ષથી વધુ સમય એક પદ પર નહીં રહી શકે.યુવાનો તેમજ મહિલાઓને વધુ તક અપાશે.

