અમદાવાદ : કેન્દ્ર સરકાર છેલ્લા ત્રણ દિવસથી કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી વિરુદ્ધ ઈડીના સમન્સનો ઉપયોગ કરીને હેરાન કરવા-ડરાવવાની રાજનીતિના વિરોધમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યો,આગેવાનો સાથે ગુરુવારે બપોરે રાજ્યપાલને આવેદન પત્ર સુપરત કરશે.જ્યારે શુક્રવારે રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ કોંગ્રેસના કાર્યકરો-આગેવાનો ધરણાં-પ્રદર્શન યોજીને વિરોધ વ્યક્ત કરશે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ઠાકોરે મીડિયાને સંબોધતા કેન્દ્રની ભાજપ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે,પેટ્રોલ,ડીઝલ,ગેસના ભાવમાં સતત વધારો,ગરીબી-બેકારી અને ભ્રષ્ટાચાર ઉપરાંત ખેડૂતોની સમસ્યા અને બેરોજગારી જેવા યુવાનોના પ્રશ્નોને કોંગ્રેસ વાચા આપીને વર્તમાન સરકારનો વિરોધ કરી રહી છે ત્યારે આ તમામ મુદ્દાઓ પરથી દેશની જનતાનું ધ્યાન ભટકાવવા કેન્દ્ર સરકાર છેલ્લા ત્રણ દિવસથી દેશભરના કોંગ્રેસના નેતાઓ પર અમાનુષી અત્યાચાર કરી રહી છે.
રાહુલ ગાંધી બેરોજગાર યુવાનો,ખેડૂતો,ગૃહિણીઓ વગેરેને લગતા તમામ પ્રશ્નો સાથે લોકોનો અવાજ બની રહ્યાં છે ત્યારે બદલાની ભાવનાથી કેન્દ્ર સરકાર તેમનો અવાજ દબાવવા માટે ડરાવવાની રાજનીતિ કરી રહી છે.છેલ્લા બે દિવસમાં પોલીસ દ્વારા કાર્યકરો-નેતાઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે.જુદા જુદા રાજ્યના મુખ્યમંત્રીઓનું માન-સન્માન જાળવવાને બદલે તેમની સાથે બળપ્રયોગ વાપરીને ટીંગાટોળી કરીને લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે.
ગઈકાલે રાહુલ ગાંધીની પૂછપરછનો વિરોધ કરી રહેલાં કેટલાયે કાર્યકરો અને નેતાઓને પોલીસના બળપ્રયોગમાં ગંભીર ઈજા પહોંચી છે તો કેટલાક વરિષ્ઠ નેતાની પાંસળી ભાંગી જાય એ રીતે બેરહેમ માર મારવામાં આવ્યો છે.એટલું જ નહીં,પોલીસનો કાફલો દિલ્હીના અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના હેડક્વાટર્સનો દરવાજો તોડી ઘૂસી ગયો હતો અને આડેધડ લાઠીચાર્જ કરીને અનેક કાર્યકરો અને આગેવાનોને ઘાયલ કર્યા હતા.આ કૃત્યને ગેરબંધારણિય ગણાવતા તેમણે કહ્યું કે,રાહુલ ગાંધી સામે EDના સમન્સ જેવા હથિયારનો ઉપયોગ કરીને જે કેસ કરાયો છે તેની વિરુદ્ધ કોંગી કાર્યકરો-નેતાઓ,આગેવાનો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યાં છે.