કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સુરતમાં મુલાકાતે આવવાના છે.રાહુલ ગાંધી 2 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચશે અને ત્યારબાદ તેઓ 2:30 કલાકે કોર્ટમાં જવા રવાના થશે અને 3 વાગ્યે કોર્ટમાં તેઓ હાજર રહેશે.મહત્ત્વની વાત છે કે, રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણીને લઇને તેમના પર ભાજપના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદીએ બદનક્ષીનો કેસ કર્યો હતો. આ કેસમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી સુરતમાં આવવાના છે રાહુલ ગાંધીના આગમનને લઈને સુરત કોર્ટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.તો બીજી તરફ એરપોર્ટથી લઇને કોર્ટ સુધીના રસ્તામાં રાહુલ ગાંધીના સ્વાગતમાં બેનરો પણ લગાવવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીનું સ્વાગત સુરતમાં અલગ-અલગ બે સ્થળો પર કરવામાં આવશે.જેમાં રાહુલ ગાંધીનું પહેલું સ્વાગત SVNIT સર્કલ પાસે અને બીજી વખત સ્વાગત પૂજા અભિષેક ટાવર પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવશે.રાહુલ ગાંધીના સ્વાગતને લઈને એરપોર્ટ પર કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહેશે.એવી પણ માહિતી સામે આવી રહી છે કે, કોંગ્રેસની ચિંતન શિબિરનું આયોજન લાભપાચમ પછી કરવામાં આવ્યું છે અને ત્રણ દિવસની આ ચિંતન શિબિરમાં પણ રાહુલ ગાંધી હાજરી આપશે.આ વાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા જણાવવામાં આવી હતી.
મહત્ત્વની વાત છે કે, સુરતના ધારાસભ્ય અને મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં જે માનહાનિનો દાવો કર્યો હતો તે બાબતે ફરિયાદી પક્ષ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, આ કેસની અંદર વધારે તપાસ થવી જોઇએ અને ત્યારબાદ હાઇકોર્ટની અંદર પણ અરજી કરવામાં આવી હતી.જેને કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને બે સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ રાહુલ ગાંધીને ફરીથી પોતાનું નિવેદન આપવા માટે કોર્ટે તારીખમાં હાજર રહેવાનો હુકમ કર્યો હતો.મહત્ત્વની વાત છે કે, રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન મોદી સમાજ પર કરેલા નિવેદનને લઇને તેમના પર કેસ કરવામાં આવ્યો છે.તેમણે એવું કહ્યું હતું કે દેશમાંથી અલગ-અલગ કૌભાંડ બહાર આવ્યા હતા તેમાં નીરવ મોદી અને લલિત મોદીનું નામ પણ બહાર આવ્યું હતું.આ તમામ કૌભાંડીઓના નામની અટક મોદી જ કેમ હોય છે અને બસ આ જ નિવેદનને લઈને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે.


