અમદાવાદ : શિક્ષક સમાજને દિશા આપવાનું અને ઘડતર કરવાનું કામ કરે છે,તેમ વકીલ સમાજને બચાવવાનું કામ કરે છે,તેવું આજે ડાયરેકટર ઓફ પ્રોસિક્યુશન કચેરી,ગાંધીનગર દ્વારા ગુજરાત નેશનલ ર્લા યુનિવર્સિટી ખાતે આયોજિત કન્વીકશન રેટઃ સરકારી વકીલની ભૂમિકા વિષયના પરિસંવાદમાં કાયદો અને ન્યાયતંત્ર,મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું.
પરિસંવાદને ખુલ્લો મૂકી તેમણે કહ્યું કે,સમાજને સારા વકીલની જરૂરિયાત છે.સારા વકીલો થકી જ સમાજને સાચા ન્યાય મળી શકશે.સાચા વ્યક્તિને ન્યાય મળશે તો જ સમાજનો વિશ્વાસ ન્યાયતંત્રમાં ટકી રહેશે.જે વકીલનું વ્યક્તિત્વ સારું હશે,તે સારો વકીલ હશે,તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે,વકીલે જીવનમાં સંવેદના રાખવી ખૂબ જરૂરી છે.કોર્ટમાં હાજર થનાર દરેક આરોપી આરોપી છે,તેવું વકીલે માની પણ ન લેવું જોઇએ.સરકારી વકીલ તરીકે વકીલની ભૂમિકા કેવી હોવી જોઇએ,તેની ખૂબ રસપ્રદ દૃષ્ટાંતપૂર્વક વાત તેમણે તેમની શૈલીમાં કરી હતી.વકીલ ન્યાય અને જ્ઞાનનો પૂજારી છે,તેવું કહી તેમણે જણાવ્યું હતું કે,કોઇ નિર્દોષને સજા ન થાય તેનું ધ્યાન હંમેશા વકીલે તેના જીવનભરની વકીલાત દરમ્યાન રાખવું જોઇએ.કન્વીકશન રેટ વઘારવા માટે વકીલનું વાંચન હોવું જરૂરી છે.તેની સાથે સરકારી વકીલમાં હિંમત અને વાંચન હોવું ખૂબ જરૂરી છે.
કોઇપણ કેસમાં વકીલે સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ તેનું મનોમથંન સાથે સાથે ઉંડાણમાં જોવું જોઇએ.સંસ્થાના નિયામક જગરૂપસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે,સરકારી વકીલો એક સાથે એક જગ્યાએ કોઇપણ કામ અર્થે ભેગા થયા હશે,આ રીતે કોઇ વિષય પર અભ્યાસ કે મનોમંથન કરવા ભેગા થયા હોય તે કદાચ આ પ્રથમ ઘટના હશે.કન્વીશન રેટમાં વઘારો થાય તો ક્રાઇમ રેટ ઘટશે.વકીલોને લોકઅદાલતમાં જે કેસોનો નિકાલ થાય તેવો હોય તેને તે અદાલતમાં લઇ જવા માટે પણ ભારપૂર્વક જણાવ્યું હતું.જેથી કેસોનો નિકાલ સમયમર્યાદામાં થશે,તો નાગરિકોનો ન્યાયતંત્રમાં વિશ્વાસ વધુ મજબૂત બનશે.


