રાજસ્થાનના કોટામાં શાકભાજી માર્કેટમાં સ્થિત એક વેપારી પર બદમાશોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું જોકે બદમાશોનું નિશાન ચૂકી જતાં વેપારીનો આબાદ બચાવ થયો છે,આ ઘટના બાદ વિસ્તારમાં ડરનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ આરોપીઓની શોધખોળમાં લાગી ગઈ છે પરંતું હજુ સુધી તેમનું કોઈ પગેરું મળ્યું નથી.
મળતી જાણકારી મુજબ,હુમલાનો શિકાર બનેલા વેપારી કૈલાશ મીણા કોટામાં શાકભાજી માર્કેટમાં કૈલાશ ફ્રૂટ એન્ડ વેજીટેબલ કંપનીના નામથી દુકાન ચલાવે છે.કૈલાશ મીણા શહેરના બલ્લભબાડી કોલોનીમાં રહે છે.સોમવારે જ તેઓ શાકભાજી માર્કેટમાં દુકાન પર બેઠા હતા.આ દરમિયાન બે બાઇક પર સવાર થઈને 6 બદમાશો આવ્યા. તેઓએ આવવાની સાથે જ કૈલાશ મીણાના નામની જોરજોરથી બૂમો પાડવા લાગી અને તેમને મારી નાખવાના ઈરાદાથી પિસ્તોલથી ફાયરિંગ શરૂ કરી દીધું. આરોપીઓએ કૈલાશ પર તાબડતોડ 5 ફાયર કર્યું પરંતુ નિશાન ચૂકી જવાના કારણે તેઓ બચી ગયા.તેમની પર હુમલો કરનારા બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા
ફાયરિંગની ઘટનાથી શાકભાજી માર્કેટમાં સનસની ફેલાઈ ગઈ.આ સમગ્ર હુમલાની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.સૂચના મળતાં ગુમાનપુરાનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો અને પીડિત વેપારી કૈલાશ મીણા અને અન્ય વેપારીઓની પૂછપરછ કરી.કૈલાશ મીણાએ પોલીસને જણાવ્યું કે તેમની કોઈની સાથે દુશ્મની નથી. તેમની પર જે બદમાશોએ ફાયરિંગ કર્યું તેમને તેઓ ઓળખતા નથી.પરંતુ એક ઘટનાનો ઉલ્લેખ કરતાં પોલીસને જણાવ્યું કે 7-8 વર્ષ પહેલા ઈસ્લામનગરમાં રહેનારા લોકો સાથે તેમને ઝઘડો થયો હતો.પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગી ગઈ છે .
સીસીટીવી કેમેરામાં બદમાશો રસ્તા પર ઊભા રહીને કોઈ પણ પ્રકારના ડર રાખ્યા વગર ફાયરિંગ કરતાં જોવા મળ્યા.પોલીસે હુમલાખોર પૈકી એકની ઓળખ કરી દીધી છે.તેનું નામ રફીક કાલિયા હોવાનું સામે આવ્યું છે.કોટા પોલીસની વિશેષ ટીમ આરોપીઓની શોધખોળમાં અનેક સ્થળે દરોડા પાડી રહી છે

