– ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસને નકામા ગૃહપ્રધાન કહીને રાજીનામું આપવાનું કહ્યું એના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને બે કૅબિનેટ પ્રધાન જેલમાં ગયા હોવા છતાં તેમનાં રાજીનામાં ન માગી શકનારા અને સચિન વઝેના લાળા ચાવનારા કહ્યા
મુંબઈ, તા. 05 એપ્રિલ 2023, બુધવાર : થાણેમાં મંગળવારે સાંજે ઉદ્ધવ ઠાકરે જૂથની મહિલા પદાધિકારીની કથિત મારપીટ થયા બાદ શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તેમના પરિવાર સાથે થાણે ગયા હતા અને પદાધિકારીની તબિયતની પૃચ્છા કરી હતી.બાદમાં તેમણે ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ફડતૂસ એટલે કે નકામા ગૃહપ્રધાન કહીને તેમને રાજીનામું આપવાની ટીકા કરી હતી.જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે ભ્રષ્ટાચારના આરોપમાં તેમની સરકારના બે કૅબિનેટ પ્રધાન જેલમાં હતા તો પણ તેમનાં રાજીનામાં નહોતા માગી શક્યા અને સબ-ઇન્સ્પેક્ટર સચિન વઝેના લાળા ચાવ્યા હતા એ આખું મહારાષ્ટ્ર જાણે છે એટલે કોણ ફડતૂસ છે એ કહેવાની જરૂર નથી.
ઉદ્ધવ ઠાકરેએ કરેલી ટીકાના જવાબમાં ગઈ કાલે દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મહાવિકાસ આઘાડી સરકારમાં અઢી વર્ષનો તેમનો કારભાર જોયા બાદ કોણ ફડતૂસ છે એ આખા મહારાષ્ટ્રને ખબર છે.મારો તેમને સવાલ છે કે પોતાની સરકારના બે-બે કૅબિનેટ પ્રધાન ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં ગયા બાદ પણ તેમનાં રાજીનામાં નહોતાં માગી શક્યાં અને લાળા ચાવ્યા હતા.જેઓ સબ-ઇન્સ્પેક્ટર સચિન વઝેના લાળા ચાવે છે તેમને બોલવાનો અધિકાર નથી.તેમના સમયમાં પોલીસ જ ખંડણી વસૂલ કરતી હતી.અઢી વર્ષ ઘરમાં બેસીને કામ કરનારા અમને રાજકારણ ન શીખવે.અમારું મોઢું ખોલાવશો તો ભાગતી વખતે જમીન પણ ઓછી પડશે.અમે સંયમથી વર્તનારા લોકો છીએ.એનો અર્થ એવો નથી કે અમે તમારી જેમ હલકી ભાષામાં જવાબ નથી આપી શકતા.
નાયબ મુખ્ય પ્રધાને આગળ કહ્યું હતું કે જે દિવસે હું બોલવાનું શરૂ કરીશ એ દિવસે તમારું જીવવાનું મુશ્કેલ બની જશે.આથી સંયમથી બોલો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવીને ચૂંટણી લડ્યા બાદ વિરોધીઓના લાળા ચાવનારાની નિરાશા તેમના વર્તન અને વાણીમાં જણાઈ આવે છે.માત્ર ખુરસી માટે લાળા ચાવનારા કોણ છે અને ફડતૂસ કોણ છે એનો જવાબ બધા જાણે છે અને મહારાષ્ટ્રની જનતા જવાબ આપશે.તમે જે ભાષામાં બોલો છો એનાથી ખરાબ ભાષા બોલતાં મને આવડે છે.હું નાગપુરનો છું એ ભૂલો નહીં.જોકે મારી આવી ભાષા બોલવાની પદ્ધતિ નથી.
દેવેન્દ્ર ફડણવીસે અંતમાં કહ્યું હતું કે વિરોધીઓ ગૃહપ્રધાનપદેથી રાજીનામું બીજા કારણથી માગી રહ્યા છે. અગાઉ પાંચ વર્ષ અને અત્યારે હું આ પદ છું એનાથી તેમની હાલત દિવસે-દિવસે બગડી રહી છે.તેમનાં કાળાં કારનામાં બહાર આવી રહ્યાં છે.વધુ કારનામાં બહાર આવશે તો ભારે પડશે એનો ડર તેમને સતાવી રહ્યો છે એટલે કોઈ પણ રીતે મને ગૃહપ્રધાનપદેથી તેઓ હટાવવા માગે છે.જોકે હું તેમને કહી દઉં છું કે હું આજે ગૃહપ્રધાન છું અને આગામી સમયમાં પણ રહીશ.મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મને આ જવાબદારી સોંપી છે અને ખોટું કરનારાઓને છોડવામાં નહીં આવે.
ઉલ્લેખનીય છે કે થાણેમાં ઠાકરે જૂથની મહિલા પદાધિકારી રોશની શિંદેની કથિત મારપીટ કરવામાં આવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસને આડે હાથ લીધા હતા અને તેમણે ફડતૂસ એટલે કે નકામા ગૃહપ્રધાન કહ્યા હતા.
સભામાં ગેરહાજર રહેવા નાના પટોલે એક કરોડ લે છે?
કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલે તાજેતરમાં છત્રપતિ સંભાજીનગરની મહાવિકાસ આઘાડીની સભામાં સામેલ નહોતા થયા.આ વિશે કૉન્ગ્રેસના નાગપુરના ભૂતપૂર્વ વિધાનસભ્ય આશિષ દેશમુખે નાના પટોલે પર ગંભીર આરોપ કર્યો છે.મહત્ત્વના કાર્યક્રમમાં ગેરહાજર રહેવા માટે નાના પટોલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પાસેથી મહિને એક કરોડ રૂપિયા લેતા હોવાનું તેમણે કહ્યું હતું.આષિશ દેશમુખે ગઈ કાલે કહ્યું હતું કે અમારા પ્રદેશાધ્યક્ષ એકદમ ફિટ હોવા છતાં છત્રપતિ સંભાજીનગરમાં આયોજિત મહાવિકાસ આઘાડીની જાહેર સભામાં સામેલ નહોતા થયા.તેઓ શા માટે સભામાં નહોતા ગયા એની તપાસ કરતાં મારા ધ્યાનમાં આવ્યું છે કે તેઓ દર મહિને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પાસેથી એક કરોડ રૂપિયા લે છે.આ જ કારણસર તેઓ ક્યારેય એકનાથ શિંદે વિરુદ્ધ બોલતા નથી અને બીજેપી અને દેવેન્દ્ર ફડણવીસની જ કાયમ ટીકા કરે છે.નાના પટોલે નાગપુરના છે,પણ ૧૬ એપ્રિલે અહીં યોજાનારી મહાવિકાસ આઘાડીની સભા માટે તેમને કોઈ જવાબદારી આપવામાં નથી આવી.બીજા નેતાઓ આ સભાની તૈયારીમાં લાગ્યા છે. તેમના આવા વર્તનથી લાગે છે કે શું તેઓ પણ ગુવાહાટીના માર્ગે જઈ રહ્યા છે?
ઉલ્લેખનીય છે કે છત્રપતિ સંભાજીનગરની સભામાં નાના પટોલે નહોતા ગયા.એ દિવસે તબિયત ખરાબ હોવાને લીધે નાના પટોલે આખો દિવસ તેમના મુંબઈના ઘરે ઊંઘ્યા હતા એવો દાવો સંજય રાઉતે કર્યો હતો.જોકે ખુદ નાના પટોલે સુરત પહોંચી ગયા હતા અને કહ્યું હતું કે તેમની તબિયત એકદમ સારી છે, ઊલટું તેમને લીધે કેટલાક લોકોની તબિયત બગડી રહી છે.તેમના આવા નિવેદન બાદ આશિષ દેશમુખના આરોપથી કૉન્ગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે.
…તો ઉદ્ધવ ઠાકરેને છોડીશ નહીં
થાણેની રોશની શિંદેની કથિત મારપીટના મામલે ઉદ્ધવ ઠાકરેએ નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ફડતૂસ એટલે કે નકામા ગૃહપ્રધાન કહ્યા હતા.તેમના આ નિવેદનથી રાજ્યનું રાજકારણ ગરમાઈ ગયું છે.બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે બીજી વખત દેવેન્દ્ર ફડણવીસ વિશે આવું બોલશે તો તેમને છોડીશ નહીં.તેઓ આવી રીતે બોલશે તો રાજ્યની બીજેપી તેમને છોડશે નહીં.ઉદ્ધવ ઠાકરે જ્યાં જશે ત્યાં તેમનો વિરોધ કરવા બીજેપી રસ્તામાં ઊતરશે.આજે હું તેમને છેલ્લી વખત ચેતવણી આપું છું.ફરી આમ કરશો તો સારાં વાનાં નહીં રહે.તમને અમારા નેતાઓ બાબતે બોલવાનો કોઈ અધિકાર નથી.તમે નિરાશામાં આવું વર્તન કરવાની સાથે બોલી રહ્યા છો.કાલે તમને કૉન્ગ્રેસ અને એનસીપી છોડી દેશે એ યાદ રાખજો.