અમદાવાદ,તા.૨૪
અમદાવાદમાં ખુદ હવે પોલીસ કર્મીઓ જ સુરક્ષિત નથી તેની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રાત્રે જમવા ગયેલાં પોલીસ કોન્સ્ટેબલ ઉપર ચાઈના ગેંગ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસ કોન્સ્ટેબલની હત્યા થતાં જ પોલીસબેડામાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
ઘટનાની વિગતમાં વાત કરીએ તો, શાહીબાગમાં કડિયાની ચાલીમાં રહેતા અને પૂર્વ મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રવીન્દ્ર જાડેજા પોતાના મિત્ર ધવલ સોલંકી સાથે સાંજે સાત વાગ્યે ચમનપુરામાં રૈન બસેરા પાસે જમવા ગયા હતા. ત્યાં ચાઈના ગેંગના સભ્યો આવી ચઢયા હતા અને તું મને ઓળખે છે તેમ કહી ચારથી પાંચ જેટલાં શખ્સોએ બંને પર હુમલો કરી દીધો હતો.
અચાનક ઘાતકી હુમલો થતાં જ આસપાસ દોડધામ મચી ગઈ હતી. રવીન્દ્ર જાડેજાના દોસ્ત ધવલ સોલંકીને ચાઈના ગેંગ દ્વારા ૩ ઘા મારવામાં આવ્યા હતા. પણ તે ભાગી જતાં બચી ગયો હતો પણ રવીન્દ્રને હાલમાં જ ઓપરેશન કરાવ્યું હોવાને કારણે તે દોડી શક્યો ન હતો. અને ગેંગના સભ્યો દ્વારા તેને ૭-૮ ઘા મારી દઈ તે ત્યાં જ લોહીનાં ખાબોચિયામાં ઢળી પડયો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
કોન્સ્ટેબલ પર ચાઈના ગેંગ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઘાતકી હત્યા કરાઈ
Leave a Comment