અમદાવાદ : શહેરમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે મ્યુનિ.હેલ્થ ખાતાએ સાવચેતીના ભાગરૂપે કોમર્શિયલ એકમોમાં માસ્ક ચેકિંગ ઝુંબેશ આદરી છે,જોકે તેમાં માસ્ક વગર પકડાતાં વેપારીઓને પ્રથમવાર દંડ કરવાને બદલે માસ્ક આપી સમજાવાશે અને પછી બીજી વાર માસ્ક વગર જણાશે તો દંડ વસુલ કરવામાં આવશે.મ્યુનિ.હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીના જણાવ્યા અનુસાર,શહેરમાં કોરોના વેક્સિનેશન અભિયાન બાદ કોરોના સંક્રમણ મહદઅંશે અંકુશમાં છે.હાલમાં સિનિયર સિટીઝનને વિનામૂલ્યે બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.તેમ છતાં છુટાછવાયા કોરોના કેસ નોંધાય છે,તે પેશન્ટને હોસ્પિટલાઇઝ કરવા પડે તેટલુ ગંભીર સંક્રમણ હોતુ નથી.
તેમણે કહ્યું કે,દેશના અમુક રાજ્યોમાં કોરોના સંક્રમણ અને કેસ વધ્યા છે તે જોતાં શહેરમાં સાવચેતી રાખવી જરૂરી છે.આવા રાજ્યોમાંથી શહેરમાં આવતાં મુસાફરોના કોરોના ટેસ્ટ કરવા માટે કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર એસટી સ્ટેન્ડ ખાતે કોરોના ટેસ્ટિંગ સુવિધા ઊભી કરવામાં આવી છે.જોકે તેમાં છેલ્લા ત્રણેક દિવસથી કોરોના પોઝિટિવ પેસેન્જર મળ્યા નથી.ગઇકાલે ૧૨મી તારીખે કરાયેલાં આરટીપીસીઆર ટેસ્ટમાં કોઇ પોઝિટિવ રિપોર્ટ આવ્યા નથી અને આજે સોમવારે ગીતામંદિર ખાતે ચાર અને કાલુપુર રેલવે સ્ટેશન ખાતે ૩૩ પેસેન્જરના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે,વેક્સિનેશન અને કોરોના ટેસ્ટિંગ અભિયાન સમાંતર ચાલી રહ્યાં છે તેમ છતાં સાવચેતીના પગલાંરૂપે નાગરિકો અને વેપારીઓ વગેરે કોરોના સંક્રમણથી બચે તેવા હેતુથી માસ્કના નિયમના પાલન માટે કોમર્શિયલ એકમો,લારીગલ્લા વગેરે જગ્યાએ ચેકિંગ શરૂ કરાયુ છે.જેમાં પ્રથમવાર માસ્ક વગર મળે તે વેપારીને દંડ ફટકારવાને બદલે માસ્ક આપી કોરોના સંક્રમણ અટકાવવામાં મદદરૂપ બનવાની અપીલ કરવામાં આવે છે અને બીજી વાર માસ્ક વગર જણાશો તો દંડ કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવે છે.મ્યુનિ.હેલ્થ ઓફિસરે વધુમાં જણાવ્યું હતું કે,આમ તો શહેરમાં કોરોના મહામારી અગાઉની લહેરની જેમ ઉથલો મારે તેવી શક્યતા નહીંવત છે તેમ છતાં કોરોના કેસ વધશે તો અન્ય કામગીરી કરવામાં આવશે.


