જેનો ડર હતો તે જ થયું. આપણી સુરક્ષા માટે ચોવીસે કલાક રસ્તા પર લોકડાઉનનું પાલન કરાવતાં પોલીસકર્મી પણ હવે કોરોનાથી બચી શક્યા નથી. રાજ્યમાં પોલીસકર્મીને કોરોના પોઝિટિવ હોવાનો પ્રથમ કેસ અમદાવાદમાં નોંધાયો છે. અમદાવાદના કાલુપુરમાં ફરજ બજાવતાં પોલીસકર્મીને કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનનો પોલીસકર્મી સંદીપ પરમાર હાલ લોકડાઉનના સમયમાં ફૂલ બજાર ચોકીમાં ફરજ બજાવે છે. કોરોનાના લક્ષણો દેખાતાં તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં પોલીસકર્મીને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. જો કે, પોલીસકર્મીને કોરોનાનો ચેપ ક્યાંથી લાગ્યો તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
પોલીસકર્મીને કોરોના પોઝિટિવ આવતાં જ તેનાં પરિવારને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત તેની સાથે કામ કરતાં પોલીસકર્મીના રિપોર્ટ પણ કઢાવવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં કોઈ પોલીસકર્મીને કોરોના પોઝિટિવ આવ્યો તે આ પ્રથમ કિસ્સો છે. તેવામાં હવે રસ્તા પર ફરજ બજાવતાં પોલીસકર્મીઓ માટે પણ કપરો સમય આવી ચઢ્યો છે.