– બાજીપુરાના દિલીપભાઇ ભકત મઢી સુગર તેમજ સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના માજી પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે
બારડોલી : બારડોલી તાલુકાની મઢી સુગર તેમજ સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના માજી પ્રમુખ દિલીપભાઈ ભકત તથા બારડોલી નાગરિક બેન્કના ડિરેક્ટર જગુ અંકલ ઉર્ફે જગૂભાઈ પટેલનું કોરોનાથી આજરોજ સવારના 9:30 વાગ્યાના રોજ નિધન થયું છે.તેમના નિધનથી સહકારી તેમજ સામાજિક ક્ષેત્રમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.
તાપી જિલ્લાના બાજીપુરા ખાતે રહેતા દિલિપભાઈ ભીખાભાઇ ભક્ત કે જેઓ મઢી સુગર તેમજ સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કમાં માજી પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે તેમજ તેઓ બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલમાં મેનેજિંગ ટ્રસ્ટી પ્રમુખ તરીકે તેમજ ફેડરેશનના ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા.સાથોસાથ વિવિધ સામાજિક તેમજ રાજકીય સંસ્થા સાથે જોડાયેલ હતા.તેમની તબિયત બગાડતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમને કોરોનાંના લક્ષણો દેખાતા તેમને ચલથાણ સંજીવની હોસ્પીટલમાં સારવાર હેઠળ રાખવામા આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન આજરોજ નિધન થયું છે.જ્યારે બીજી તરફ નાગરિક બેન્કના ડિરેક્ટર,રાધાક્રુષ્ણ મંદિરના પ્રમુખ અને મઢી સુગરના ડિરેક્ટર એવા બારડોલીના જગુ અંકલ ઉર્ફે જગૂભાઈ કલ્યાણજી પટેલ નું પણ કોરોનાથી નિધન થયું છે.એક સાથે બે સહકારી આગેવાનોના કોરોનાથી નિધન થતાં સહકારી તેમજ સામાજિક ક્ષેત્રમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.


