ઈરાન દુનિયાના એ ટોપ-3 દેશો (ચીન અને ઈટલીની સાથે)માં સામેલ છે જ્યાં કોરોનાના કારણે સૌથી વધારે મોત થયા છે. સરકાર તરફથી અત્યાર સુધી જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, કોરોનાથી 20 હજારથી વધારે લોકો ઇરાનમાં સંક્રમિત થઈ ચુક્યા છે, જ્યારે 1600થી વધારે લોકોના મોત થયા છે. પરંતુ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામનઈએ કોરોના વાયરસ સામે લડવા માટે અમેરિકાની મદદ લેવાનો ઈનકાર કરી દીધો છે.
છેલ્લા ઘણાં સમયથી અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. છતાં અમેરિકા તરફથી ઈરાનને મહામારી વિરુદ્વ લડવા મદદ કરવા જણાવ્યું હતું. પરંતુ ઈરાને માત્ર મદદ લેવાની જ ના નથી પાડી, પરંતુ અમેરિકા પર એવો પણ આરોપ લગાવ્યો કે કદાચ અમેરિકાએ જ આ કોરોના વાયરસ તૈયાર કર્યો હોય.
આ પહેલા ચીન પણ આરોપ લગાવી ચુક્યું છે કે, અમેરિકન સૈનિકોના કારણે ચીનમાં કોરોના ફેલાયો છે. જોકે ચીને અમેરિકા પર આરોપ ત્યારે લગાવ્યો હતો જ્યારે અમેરિકાએ આ વાયરસને ‘ચીની વાયરસ’ કહ્યો હતો. એક રિપોર્ટ અનુસાર, ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામનેઈએ કોરોના વાયરસને લઈને અમેરિકાની મદદ કરવાની જાહેરાતને અજીબ ગણાવી હતી. એક ભાષણમાં તેમણે અમેરિકન નેતાઓને ધૂર્ત કહ્યાં હતાં. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમેરિકાએ ઘણીવાર ઈરાનને વાયરસનો નાશ કરવા માટે મદદની રજૂઆત કરી, તેમના પર વાયરસ બનાવવાનો આરોપ છે. હું નથી જાણતો કે આ સાચુ છે કે નહીં, પરંતુ એ અજીબ છે કે તમે ઈરાનની મદદ કરવા માંગો છો.
ખામનોઈએ અમેરિકાના પોતાના કોરોના વાયરસ ટેસ્ટ પર્યાપ્ત માત્રામાં ન કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, એક વાત એ પણ છે કે વાયરસની વિરુદ્વ લડાઈમાં તમારી પાસે જ અભાવ છે. શું ખબર કે તમે એવું ડ્રગ આપી દો જેનાથી આ વાયરસ હંમેશાં માટે ઈરાનમાં રહી જાય. તમે મદદ માટે ડૉક્ટર અને થેરાપિસ્ટને મોકલશો પરંતુ એ લોકો કદાચ અહીં આવીને એ ઝેરની અસર જોવા ઈચ્છ્શે જેને પોતે તૈયાર કર્યુ છે.