એક તરફ આખુ વિશ્વ વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી લડી રહ્યું છે. ત્યારે ભારતમાં પણ આ વાયરસે પગપેસારો કરી સૌને હચમચાવી દીધા છે. ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં કેટલાક શહેરોમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારોને કોરોના વાયરસની ગંભીરતાને સમજવા અને સાવચેતી પગલે કાયદાઓનું કડકાઈથી પાલન કરાવવા આદેશ આપવામાં આવ્યા છે.
સરકારે દેશના નાગરિકોને ઘરની અંદર રહેવા અને ઇમરજન્સી વગર બહાર ન નીકળવા આદેશ આપ્યા છે. સાથે જ સરકાર અને તબીબોની ગાઇડલાઇનનું પાલન કરવા પણ વિનંતી કરી છે. આવી ગંભીર પરિસ્થિતિઓમાં જાહેર ક્ષેત્રની વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી) એ પોતાના કરોડો ગ્રાહકોને એક મોટી રાહત આપી છે. મીડિયા રિપોર્ટ મુજબ એલઆઈસીએ કોરોના વાયરસ મહામારીના કારણે જે પોલિસી ધારક પ્રીમિયમ ચુકવણી કરવામાં અસમર્થ છે તો તેમના માટે સમય મર્યાદા 15 એપ્રિલ 2020 સુધી વધારી દેવામાં આવી છે.
રિપોર્ટ મુજબ એલઆઈસીએ તેના એક નિવેદનમાં કહ્યું કે કોવિડ-19ને ધ્યાનમાં રાખી દેશમાં સર્જાયેલ અસાધારણ પરિસ્થિતિઓને જોતા એલઆઈસીએ પોતાના પોલિસી ધારકોને પ્રીમિયમ ચુકવણીમાં 15 એપ્રિલ 2020 સુધી રાહત આપી છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે મોટાભાગે રાજ્યોને જ્યાં સુધી ઇમરજન્સી ન હોય ત્યાં સુધી લોકોને સામાજિક અંતર રાખવા અને મુસાફરી ટાળવામાં કહેવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રવિવારે સવારે સાત વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી જનતા કરફ્યૂની જાહેરાત કરી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ દેશના 75 જિલ્લાઓમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉન જાહેર કરનારા રાજ્યોમાં તેલંગાના, દિલ્હી, યુપી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, નાગાલેન્ડ, મહારાષ્ટ્ર વગેરે સામેલ છે. દેશમાં કોરોના વાયરસના 391 મામલા સામે આવ્યા છે.