અમદાવાદ : અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઇપીએલ મેચ તેમજ ચાર ધામ સહિત ગુજરાત બહાર ફરવા ગયેલા પ્રવાસીઓ હવે પરત ફરતાં કોરોનાનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે.છેલ્લા એક સપ્તાહથી સતત કેસ વધતાં હોવાથી તેમજ મંગળવારે નવા ૪૪ કેસ ઉમેરાતાં અમદાવાદ મહાનગરપાલિકાએ કોરોનાના ટેસ્ટિંગ ડોમ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.બીજી તરફ રાજ્યમાં પણ ત્રણ મહિના પછી કોરોનાના કેસ ૭૦ ને પાર થયા છે.રાજ્ય બહાર પ્રવાસ કરીને પરત ફરતાં મુસાફરોના ટેસ્ટ કરવા માટે ગીતા મંદિર અને કાલુપુર રેલવે સ્ટેશન ખાતે ટેસ્ટિંગ ડોમ બુધવારથી શરૂ કરવામાં આવશે,તેમ મ્યુનિ.એ જાહેર કર્યું છેમંગળવારે પણ શહેરમાં કોરોનાના 44 કેસ સામે આવ્યા હતા.જૂન માસના પ્રથમ સપ્તાહમાં કોરોનાના 217 કેસ નોંધાયા છે.
કોરોનાની ત્રીજી લહેર બાદ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો કાબૂમાં આવી ગયા હતા.લાંબા સમય સુધી શહેરમાં કોરોનાના કેસોની સંખ્યા ખૂબ જ ઓછી રહેવા પામી હતી.જેના પગલે મ્યુનિ. દ્વારા શહેરમાં લગાવવામાં આવેલા તમામ કોરોના ટેસ્ટિંગ ડોમ બંધ કરી દેવાનો નિર્ણય લીધો હતો.જોકે,ત્યારબાદ જૂન માસની શરૂઆત સાથે જ શહેરમાં ધીમેધીમે કોરોનાના કેસોમાં ઉછાળો આવવાનું શરૂ થયું હતું.શરૂઆતમાં આ આંકડો 20 કરતા ઉપર જવા લાગ્યો હતો અને ત્યારબાદ આ આંકડો 40ને પાર પહોંચતા મ્યુનિ.તંત્રમાં ફરી ગભરાટ ફેલાયો છે.અમદાવાદ શહેરમાં 1 જૂનના રોજ કોરોનાના 21 કેસ નોંધાયા હતા.પરંતુ ત્યારબાદ સતત કેસોમાં વધારો થયો હતો.
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં જ સતત કેસ વધી રહ્યાં છે.જૂન માસના આરંભ પહેલાં દૈનિક કેસની સંખ્યા ૩૦થી ૩૫ વચ્ચે હતી તે આજે વધીને ૭૨ સુધી પહોંચી છે.૭ માર્ચ,૨૦૨૨ના રોજ નવા ૭૧ કેસ નોંધાયા હતા.આજે નોંધાયેલા ૭૨ કેસ પૈકી સૌથી વધુ ૪૪ કેસ અમદાવાદમાંથી ઉમેરાયા છે.આ જ રીતે સુરત,વડોદરામાં ૭-૭,રાજકોટમાં ૩,અરવલ્લી અને વલસાડમાં ૨-૨,આણંદ,બનાસકાંઠા,ગાંધીનગર, ગીર સોમનાથ,મહેસાણા,રાજકોટ ગ્રામ્યમાં નવા ૧-૧ કેસ નોંધાયા છે.આમ,એક સપ્તાહમાં રાજ્યના નવા જિલ્લામાં સંક્રમણ વકરી રહ્યું છે એ ચિંતાનો વિષય બની શકે છે.રાજ્યમાં એક જ સપ્તાહમાં એક્ટિવ કેસ ૬૦ ટકા વધીને ૩૬૩ સુધી પહોંચ્યા છે.૩૦ મેના રોજ ૨૫૦ જેટલા એક્ટિવ કેસ હતા.જોકે,રાહતની વાત એ છે કે હાલ એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી.છેલ્લા ૨૪ કલાકમાં ૫૩ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.


