નવી દિલ્હી, તા. ૧૮ :. કોરોના વાયરસની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઈ હતી.અનેક રીપોર્ટસમાં તેવો દાવો થયો છે કે ચીને આ વાયરસના કેસને છૂપાવ્યા હતા.ધીમે ધીમે કોરોના સમગ્ર વિશ્વમાં ફેલાય ગયો અને આજે એવી સ્થિતિ છે કે ૩ લાખથી વધુ લોકો મરી ગયા છે.ચીનની જવાબદારી નક્કી કરવાની માંગ દુનિયાના અનેક દેશોએ ઉઠાવી છે તો ચીનનો બચાવ કરનાર ડબલ્યુએચઓની ભૂમિકા પણ નક્કી થશે.ભારત સહિત ૬૨ દેશોએ કોરોના પર સ્વતંત્ર તપાસની માંગણી કરી છે.આજે વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં યુરોપીયન યુનિયન તરફથી આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.જેમાં માંગણી થઈ છે કે કોવિડ-૧૯ને લઈને ડબલ્યુએચઓના નેતૃત્વમાં ઈન્ટરનેશનલ હેલ્થ રીસ્પોન્સની નિષ્પક્ષ,સ્વતંત્ર અને વિસ્તૃત તપાસ થાય.
ડબલ્યુએચએમાં આ પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર થઈ શકે છે.પ્રસ્તાવની ભાષા એવી છે કે ન તો ચીન કે ન તો અમેરીકાએ તેનો વિરોધ કર્યો છે.જો કે બન્ને દેશ આ ૬૨ દેશોની યાદીમાં નથી.પ્રસ્તાવમાં વાયરસના સોર્સની ભાળ મેળવવા અને તે લોકોમાં કઈ રીતે ફેલાયો ? તેની તપાસની માંગ થઈ છે.ભારતનું યુરોપીયન યુનિયનના આ પ્રસ્તાવને સમર્થન વ્યાજબી છે.કોરોના વાયરસ ભારત અને ચીન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો નથી.આ ચીન અને ઈન્ટરનેશનલ કોમ્યુનિટી વચ્ચેની વાત છે.વિશ્વને હક્ક છે કે આવો ખતરનાક વાયરસ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો અને કઈ રીતે માણસોમાં ફેલાયો ? તે જાણવું.ચીન અત્યાર સુધી ઈન્કાર કરતો રહ્યો છે કે અમારો કોઈ હાથ નથી.ટ્રમ્પે પણ કહ્યુ છે કે જો ચીન જવાબદાર ઠરશે તો તેને ભોગવવું પડશે.આ બેઠકમાં જાપાન,યુકે,સાઉથ આફ્રિકા,કેનેડા,બાંગ્લાદેશ,તુર્કી,રૂસ,ઈન્ડોનેશિયા સહિત ૬૨ દેશો ભાગ લેશે.


