ગાંધીનગર : કોરોનાના બે વર્ષ બાદ ગુજરાત સરકારે ફરીથી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે.જે મુજબ પ્રવેશોત્સવની ૧૭મી શૃંખલા ર૩થી રપ જૂન-ર૦રર દરમ્યાન,રાજ્યની ૩ર,૦૧૩ જેટલી સરકારી પ્રાથમિક શાળામાં યોજાશે.જેમાં,રાજ્ય સરકારના ૮૪ IAS,૨૪ IPS અને ૧૫ IFS અધિકારી સહિત વર્ગ-૧ના ૩પ૬ અધિકારી શાળા પ્રવેશોત્સવના આ શિક્ષણ સેવાયજ્ઞમાં જોડાશે.જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ બનાસકાંઠાના વડગામ તાલુકાની મેમદપુરા પ્રાથમિક શાળાથી ર૩ જૂને કરાવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને સોમવારે બેઠક યોજાઈ હતી. જેમાં તમામ મંત્રી અને ઉચ્ચાધિકારી ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં પ્રવેશોત્સવના કાર્યક્રમને આખરી ઓપ અપાયો હતો.રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જિતુભાઈ વાઘાણીએ આ અંગે માહિતી આપતાં કહ્યું હતું કે,શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રી તાપી જિલ્લાના નિઝરના રૂમકી તળાવ ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવશે અને ત્રીજા દિવસે અમદાવાદના મેમનગર ખાતે ઉપસ્થિત રહેશે.
તેમણે જણાવ્યુ હતું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદકાળ દરમ્યાન રાજ્યની પ્રાથમિક શિક્ષણની સ્થિતિ ગુણવત્તા અને રેશિયો સુધારવા તથા દીકરીઓના શિક્ષણને વેગ આપવા ર૦૦૩થી શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણીનો ઉપક્રમ શરૂ કરાવ્યો છે.જેના પરિણામે રાજ્યમાં ૧૯૯૦-૯૧માં જે ડ્રોપ આઉટ રેઇટ ૬૪.૪૮ ટકા જેટલો ઊંચો હતો,તે ઘટીને ર૦ર૦-ર૧માં ૩.૭ ટકા જેટલો નીચો આવી ગયો છે.વર્ષ ર૦૦૪-૦પમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ૯પ.૬પ ટકા હતો,તે વધીને ર૦ર૦-ર૧માં ૯૯.૦ર ટકા જેટલો ઊંચો ગયો છે.


