મુંબઈ : કોરોનાની બીજી લહેરની અસર બેન્કિંગ ક્ષેત્રના ધિરાણ વેપાર પર પણ જોવા મળી છે.વર્તમાન વર્ષના માર્ચમાં બેન્ક ધિરાણ વૃદ્ધિ ધીમી પડીને ૫.૬૦ ટકા રહી હતી જે ગયા વર્ષના માર્ચમાં ૬.૪૦ ટકા જોવાઈ હતી.
ધિરાણની સામે ડિપોઝિટસમાં વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષના માર્ચમાં ડિપોઝિટસમાં ૯.૫૦ ટકાની વૃદ્ધિ સામે વર્તમાન વર્ષના માર્ચમાં ડિપોઝિટસમાં ૧૨.૩૦ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. ધિરાણની સરખામણીએ ડિપોઝિટસનો વૃદ્ધિ દર બમણાથી પણ વધુ રહ્યો છે.ધિરાણ કરતા ડિપોઝિટસમાં વધારો બેન્કિંગ ક્ષેત્ર માટે નાણાંકીય દબાણ લાવી શકે છે.
માર્ચ ૨૦૨૦માં ડિપોઝિટથી ધિરાણનું પ્રમાણ જે ૭૬ ટકા હતું તે વર્તમાન વર્ષના માર્ચમાં ઘટી ૭૧.૫૦ ટકા પર આવી ગયું હોવાનું રિઝર્વ બેન્કના આંકડા જણાવે છે.દેશમાં કુલ બેન્ક ધિરાણમાં ૪૬ ટકા હિસ્સો મુંબઈ, દિલ્હી,બેંગ્લુરુ,ચેન્નાઈ,હૈદરાબાદ તથા કોલકત્તા આ ૬ શહેરોની બેન્ક શાખાઓનો રહેલો છે.
ધિરાણ વેપારની દ્રષ્ટિએ જાહેર ક્ષેત્રની બેન્કોની સરખામણીએ ખાનગી બેન્કો આગળ હોવાનું પણ પ્રાપ્ત આંકડા પરથી જણાય છે.નાણાં વર્ષ ૨૦૨૦-૨૧માં ખાનગી બેન્કોની ધિરાણ વૃદ્ધિ ૯.૧૦ ટકા રહી હતી જ્યારે જાહેર બેન્કોનો આ આંક ૩.૬૦ ટકા રહ્યો હતો.

