– બંધારણના નિષ્ણાતોનો અભિપ્રાય શું કહે છે?
– ઉદ્ધવ ઠાકરેએ ૨૭, મે પહેલા કોઇપણ એક ગૃહના સભ્ય બનવું જરૂરી, નહીં તો રાજીનામું આપવું પડે : ગવર્નર ઉદ્ધવ ઠાકરેના નામની ભલામણ કરી શકે કે કેમ?
મુંબઇ,
કોરોનાના ચેપી મહામારીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને જબરા રાજકીય ધર્મસંકટમાં મૂકી દીધા છે. ઉદ્ધવ ઠાકરે હાલ મહારાષ્ટ્ર વિધાનસભા કે વિધાનપરિષદ, બેમાંથી એકેયના સભ્ય નથી. ભારતીય ચૂંટણીપંચના નિયમ મુજબ આવી પરિસ્થિતિમાં ઉદ્ધવ ઠાકરેએ હવે આવતી ૨૭, મે- ૨૦૨૦ પહેલા આ બંને ગૃહમાંથી કોઇપણ એકના સભ્ય તરીકે ચૂંટાઇ આવવું જરૂરી છે.
બીજીબાજુ ચૂંટણી પંચ કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇને મહારાષ્ટ્ર વિધાન પરિષદની નવ બેઠકો પરની ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખી છે. આ બધી બેઠકોની મુદત ૨૪ એપ્રિલ ૨૦૨૦ના રોજ પૂરી થાય છે.
હવે ઉદ્ધવ ઠાકરે કદાચ પણ વિધાનસભ્ય તરીકે આ મુદત પહેલાં ચૂંટાઇ ન શકે તો તેમણે મુખ્ય પ્રધાનના હોદ્દા પરથી રાજીનામું આપી દેવુ પડે. આવા અસમંજસની પરિસ્થિતિમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ બી.બી. સાવંતે એવી સલાહ હતી કે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ હાઇકોર્ટમાં અરજી કરવી જોઇએ. આ પરિસ્થિતિ ખરેખર અસાધારણ કહી શકાય તેવી છે. એટલે ઉદ્ધવ ઠાકરે પાસે વિધાન પરિષદમાં ચૂંટાઇ શકે તેટલા સભ્યોની બહુમતી છે. આમ છતાં હાલની કોરોનાની મહામારીને કારણે તે કંઇ કરી શકે તેમ નથી.
પી.બી. સાવંતે એવી સલાહ આપી હતી કે ઉદ્ધવ ઠાકરેએ હાઇ કોર્ટમાં અરજી કરીને અદાલતને એવી વિનંતી કરવી જોઇએ કે તે (કોર્ટ) ચૂંટણી પંચને એવો આદેશ આપે કે મારી (ઉદ્ધવ ઠાકરેની) વિધાન પરિષદમાં ચૂંટાઇ આવવાની મુદત પૂરી થઇ જાય તે પહેલા ચૂંટણી યોજે. આવી વ્યવસ્થા સાથે મારી સરકારની સ્થિરતાને સીધો સંબંધ છે. વિધાન પરિષદની ચૂંટણી માટે કુલ ૨૮૮ સભ્યો છે. કારણ કે આ ચૂંટણીમાં ફક્ત વિધાનસભ્યો જ મત આપી શકે છે. વળી ચૂંટણીપંચ વિધાનસભ્યોને જુદા જુદા દિવસે અને અલગ અલગ સમયે આવીને તેમનો મત આપવાની સૂચના આપે તો પછી ચૂંટણી પંચ એક સપ્તાહમાં મતગણતરીની પ્રક્રિયા પૂરી કરી શકે.
આમ છતાં આ પ્રકારની અને ચૂંટણી ન થાય અથવા તો ગવર્નરના ક્વોટામાંથી તેમનું ઉદ્ધવ ઠાકરેનું નામ રજૂ ન થાય (ગવર્નર અમક ખાસ સંજોગોમાં પોતાના ક્વોટામાંથી કોઇપણ વ્યક્તિના નામની ભલામણ કરી શકે છે) તો પછી ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનનો હોદા પરથી રાજીનામું આપી દેવું પડે. વળી, ઉદ્ધવ ટાકરે એક વખત રાજીનામું આપી દે તો તેમણે બીજી વખત સરકાર રચવાનો દાવો પણ ન કરવો જોઇએ. કારણ કે આવો દાવો કરવો કે માગણી કરવી તે ખરેખર તો ખુદ ઉદ્ધવ ઠાકરેના અને ભારતના બંધારણના હાર્દ વિરુદ્ધ છે. હા, આવા સંજોગોમાં ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાનના નામની ભલામણ જરૂરી કરી શકે. જો કે ઉદ્ધવ ઠાકરે ભવિષ્યમાં વિધાનસભ્ય તરીકે ચૂંટાઇ આવે તો તે ફરીથી મુખ્ય પ્રધાન જરૂર બની શકે.
નિવૃત્ત જસ્ટિસ પી.બી. સાવંતે એવો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો હતો કે ગવર્નર ઉદ્ધવ ઠાકરેના નામની ભલામણ કરે તો તે રીતે તે મુખ્ય પ્રધાન બની શકે. જો કે સામાન્ય સંજોગોમાં તો આવી વ્યવસ્થા પણ રાજકીય અગ્રીમતા વિરુદ્ધ ગણાય. આમ છતાં હાલના સંજોગો ખરેખર બહુ અસાધારણ છે. સરળ રીતે સમજીએ તો ભારતના બંધારણની કલમ ૧૬૪ (૪)માં ‘કોઇપણ ગૃહનો સભ્ય’ એવો શબ્દ છે. ‘ચૂંટાઇયેલો સભ્ય’ એવો શબ્દ પ્રયોગ નથી. એટલે કે ગવર્નરની ભલામણ દ્વારા નામાંકિત થયેલો સભ્ય પ્રધાન બની શકે છે.
ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનના હોદ્દા પરથી રાજીનામું આપી દેવું પડે તો પણ તેઓ બીજી વખત મુખ્ય પ્રધાન બનવા દાવો કરે તો કાયદાકીય કે બંધારણની દ્રષ્ટિએ ખરેખર તો કોઇ જ પ્રતિબંધ નથી.
હા, ઉદ્ધવ ઠાકરેના આવા બીજી વખતના દાવા વિશે ગવર્નર જ અંતિમ નિર્ણય લઇ શકે. આમ છતાં રાજકીય અગ્રીમતા નૈતિક્તાને ધ્યાનમાં લઇને ઉદ્ધવ ઠાકરેની બીજી વખત મુખ્ય પ્રધાન તરીકે નિમણૂંક ન કરવી જોઇએ. કારણ એ છે કે કદાચ પણ આવી રીતે નિમણૂંક થાય તો તેનો અર્થ એવો થશે કે જે કાર્ય તમે સાધી રીતે ન કરી શક્યા તેને આડકતરી રીતે કર્યું, એવો અભિપ્રાય જાણીતા બંધારણવિદ સુભાષ કશ્યપે વ્યક્ત કર્યો હતો.