અમદાવાદ : દેશભરમાં કોરોનાના કોરોના કહેરને કારણે રાજ્યમાં 16 માર્ચથી મલ્ટિપ્લેક્સ-થિયેટરો બંધ કરી દેવામાં આવ્યાં હતાં.લોકડાઉન અને અનલોકના 6 મહિના થવા છતાં હજુ પણ મલ્ટિપ્લેક્સ-થિયેટરો ખૂલ્યાં નથી,જેને કારણે ગુજરાતમાં આવેલાં 250થી વધુ મલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન થિયેટરોના માલિકોને ખૂબ જ મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. રાજ્યમાં મલ્ટિપ્લેક્સ-થિયેટરોના વ્યવસાયને આશરે 600 કરોડનું નુકસાન થયું છે.
હવે આગામી અનલોક-5માં મલ્ટિપ્લેક્સ-થિયેટરો ખૂલવાની સંભાવના છે. જો કેન્દ્ર સરકાર ગાઈડલાઈન્સ મુજબ મલ્ટિપ્લેક્સ-થિયેટરો ખૂલવાની મંજૂરી આપે તો એમાં જૂના જમાનાની ક્લાસિક ફિલ્મ્સ જોવા મળશે.દિવાળી સુધી નવી કોઈ ફિલ્મ રિલીઝ થવાની શક્યતા ન હોવાથી મલ્ટિપ્લેક્સ-થિયેટરોના ધંધાને ફરી ઊભાં કરવા જૂની ફિલ્મ્સ બતાવવામાં આવશે.
આ 6 મહિના દરમિયાન સૌથી વધુ 250 કરોડનું નુકસાન અમદાવાદ શહેરનાં મલ્ટિપ્લેક્સ-થિયેટરોને થયું છે.દર મહિને 25 લાખની આવક થતી હોઈ જેની સામે કોરોનાને કારણે એકપણ રૂપિયાની આવક થઈ નથી અને સામે મેઇન્ટેનન્સ અને અન્ય ખર્ચા ગણીને 6 મહિનામાં એક મલ્ટિપ્લેક્સને રૂપિયા 10 લાખનો ખર્ચ થયો છે.
સમગ્ર રાજ્યની વાત કરીએ તો 15000થી વધુ કર્મચારીઓ મલ્ટિપ્લેક્સ-થિયેટરોમાં નોકરી કરતા હશે,પરંતુ એમાંથી 40 ટકા જ સ્ટાફ જ હાલમાં કાર્યરત છે.


