હાલ કોરોનાની દહેશતને કારણે ગુજરાતમાં આંશિક લોકડાઉન જેવી પરિસ્થિતિ છે. ગુજરાતના સ્કૂલ-કોલેજ સહિત તમામ દર્શનીય સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે. તેવામાં હાલ સ્કૂલોમાં વાર્ષિક પરિક્ષા પણ નજીકમાં આવી રહી છે. તો સ્કૂલો બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડશે. જેને જોતાં ભણતર ન બગડે તે માટે રાજ્ય સરકારે ટીવીના માધ્યમથી ધોરણ 7થી9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને મહત્વના વિષયોનું નિષ્ણાંત શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવવામાં આવશે.
હાલ ગુજરાતમાં 29 માર્ચ સુધી તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. સ્કૂલો બંધ થઈ જવાને કારણે વાર્ષિક પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે રાજ્ય સરકારને નિર્ણય કર્યો છે કે રાજ્યના ધોરણ 7થી 9 અને ધોરણ-11ના વિદ્યાર્થીઓને મહત્વના વિષયોનું રિવિઝન-પૂનરાવર્તન જે તે વિષય નિષ્ણાંત શિક્ષકોની મદદથી પ્રાદેશિક ચેનલ્સના માધ્યમથી કરાવવામાં આવશે. 9મી માર્ચથી વિદ્યાર્થીઓ ઘર બેઠા ટીવી ચેનલ્સના માધ્યમથી વિષયનો રિવિઝન અને અભ્યાસ કરી શકશે. 19 માર્ચથી દરરોજ એક-એક કલાકનું ઓનલાઇન શિક્ષણ ટી.વી ચેનલ્સ દ્વારા અપાશે. ધોરણ-7થી9માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયોનું વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણ અપાશે. ધોરણ-11માં ફિઝીકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટના વિષયોનો અભ્યાસ વિષય નિષ્ણાંત શિક્ષકો કરાવશે.
ધોરણ 1થી9નાં વિદ્યાર્થીઓને પ્રમોશન આપવા રજૂઆત
તો બીજી બાજુ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે કોરોનાને લઈ વિદ્યાર્થીઓને પ્રમોશન આપવા માટે રજૂઆત કરી છે. ધોરણ 1થી9ના વિદ્યાર્થમીઓને યુનિટ ટેસ્ટ, અર્ધ વાર્ષિક પરીક્ષાના માર્ક જોઈ ઉપલા વર્ગમાં પ્રમોશન આપવા માટે શાળા સંચાલક મહામંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સાથે જ નવુ શૈક્ષણિક વર્ષ 20 એપ્રિલના બદલે જૂનથી શરૂ કરવા ભલામણ કરી છે.