અમદાવાદ : જાન્યુઆરીમાં વિશ્વજગતને બાનમાં લેનાર કોરોના મહામારીનો અંત નજીક જણાઈ રહ્યો છે.કોરોનાની સૌપ્રથમ રસી શોધી કાઢ્યાના દાવો રશિયાએ કર્યો છે.રશિયાના રાષ્ટ્રપતિ પુતિને એક આધિકારીક નિવેદનમાં કહ્યું છે કે રશિયાએ વિશ્વની સૌપ્રથમ રસી શોધી છે અને તેનું ટ્રાયલ સફળ પણ રહ્યું છે.પુતિને કહ્યું કે આ રસીનો ડોઝ મારી પુત્રીને પણ આપવામાં આવ્યો છે.
મોસ્કોના ગામેલ્યા ઇન્સ્ટીટ્યુટે ડેવલપ કરી
જાણકારી અનુસાર,આ વેક્સીનને મોસ્કોના ગામેલ્યા ઇન્સ્ટીટ્યુટે ડેવલપ કરી છે.મંગળવારે રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે વેક્સીનને સફળ ઘોષિત કરી છે.આ સાથે જ વ્લાદિમીર પુતિને એલાન કર્યુ છે કે રશિયામાં જલ્દી આ વેક્સીનનું પ્રોડક્શન શરૂ કરવામાં આવશે અને મોટી સંખ્યામાં વેક્સીનનો ડોઝ બનાવવામાં આવશે.
દિકરી કોરોના વાયરસની ઝપેટમાં આવી હતી
વ્લાદિમીર પુતિને જણાવ્યું કે તેની દિકરી કોરોના વાયરસની ઝપેટમાં આવી હતી,જે બાદ તેને આ નવી વેક્સીન આપવામાં આવી છે.થોડી વાર માટે તેનું તાપમાન વધી ગયું પરંતુ હવે તે બિલકુલ સ્વસ્થ છે.
અનેક જગ્યાએ ટ્રાયલ ચાલું
જણાવી દઇએ કે દુનિયામાં આ સમયે કોરોના વાયરસની વેક્સીન બનાવવા માટે અનેક જગ્યાએ ટ્રાયલ ચાલી રહ્યું છે. WHOએ જણાવ્યા અનુસાર આશરે 100થી વધુ વેક્સીન બનાવવા પર કામ ચાલી રહ્યું છે.જેમાં અમેરિકા,બ્રિટન,ઇઝરાયલ,ચીન,રશિયા,ભારત જેવા દેશ સામેલ છે.
રશિયાનું એલાન સાચુ સાબિત થશે?
હવે જો રશિયા તરફથી એલાન સાચુ સાબિત થાય અને WHO તરફથી આ વેક્સીનને મંજૂરી મળે તો દુનિયાભર માટે આ એક મોટી રાહત સાબિત થઇ શકે છે. જો રશિયામાં કોરોના વાયરસની સ્થિતિની વાત કરીએ તો અહીં આશરે નવ લાખ કોરોના વાયરસના કેસ સામે આવી ચુક્યા છે.રશિયામાં પંદર હજાર જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.રશિયા તે દેશોમાં સામેલ છે જ્યાં સૌથી વધુ કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યાં છે.રશિયામાં પ્રધાનમંત્રી ઉપરાંત કેબિનેટના કેટલાંક અન્ય સભ્યો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.