ગાંધીનગર : ગુજરાત પોલીસમાં DIGથી લઈને કોન્સ્ટેબલ સહિતની વિવિધ કેડરમાં કોવિડ-૧૯ કારણે અત્યાર સુધીમાં ૯૯ વોરિયર્સના અવસાન થયા છે.રાજ્યના પોલીસ મહાનિરીક્ષકે ચાલુ નોકરી દરમિયાન અવસાન પામેલા પોલીસ અધિકારી કર્મચારીઓને મળવા પાત્ર લાભો સંદર્ભે મંગળવારે દરેક જિલ્લા તંત્રને પત્ર લખ્યો છે. જેમાં રૂ.૩૩.૫૦ લાખથી વધારે રોકડ સહાય આપવાનો ઉલ્લેખ કરાયો છે.
પોલીસ મહાનિરીક્ષક બ્રિજેશ કુમાર ઝાની સહીથી તમામ રેન્જ,પોલીસ કમિશનરેટ અને વિવિધ એકમોના વડાઓને લખેલા પત્રમાં કોરોનાથી મૃત્યુ પામેલા કર્મચારી- અધિકારીઓના કિસ્સામાં સહાય અરજી મોકલવા કહેવાયુ છે.પત્રમાં આઠ પ્રકારના મળવાપાત્ર લાભો જણાવવામાં આવ્યા છે.જે મુજબ બંધુત્વ સહાય, રૂ.૫૦,૦૦૦ની મરણોત્તર સહાય,પેન્શન પેપર્સ,જૂથ વીમો,રજાનું રોકડમાં રૂપાંતર,એક તરફી વનત પ્રવાસ ભથ્થુ અને કોરોના વોરિયર્સ તરીકે કોવિડ-૧૯ અંતગર્ત રૂ.૨૫ લાખની નાણાંકીય સહાય મળવાપાત્ર છે.અવસાન પામેલા પોલીસ કર્મચારી જો વર્ગ-૩ના હશે તો રૂ.૮,૦૦,૦૦૦ની ઉચ્ચક નાણાંકીય સહાય પણ મળશે.પોલીસ મહાનિરીક્ષકે જે તે જિલ્લા અને મહાનગર અને SRP ગ્રુપ સહિતના એકમોમાં કોરોના વોરિયર્સ તરીકે કોરોનાથી મૃત્યુ પામેલા પોલીસ અધિકારી- કર્મચારીઓના પરીવારજનોને ઉપરોક્ત લાભો સત્વરે ચુકવાય તેના માટે અગ્રતાના ધોરણે કામ કરવામાં આવે તેનું ધ્યાન રાખવા પણ કહ્યુ છે. આરોગ્ય વિભાગના ડોક્ટર,નર્સિંગ જેવા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ બાદ સૌથી વધુ સહાય પોલીસ તંત્રના અધિકારી- કર્મચારીઓને મળશે.
અમદાવાદ શહેરમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં ૨૨ જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓના અવસાન થયા છે.ગૃહ વિભાગની સુચના બાદ પોલીસ ભવનમાં કોરોનાથી ચેપગ્રસ્ત પોલીસ કર્મીઓના સારવાર તેમજ અવસાન પામતા વોરિયર્સના કિસ્સામાં મદદરૂપ થવા ખાસ કોવિડ-૧૯ સેલ રચવામાં આવ્યો છે.આ સેલ મારફતે સરકારી સહાયની દરખાસ્તો તૈયાર કરવા દરેક જિલ્લા અને કમિશનરેટ વિસ્તારોમાંથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે.કોરોના મહામારીમાં અત્યાર સુધીમાં ગુજરાત પોલીસ તંત્રમાં એક ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ સહિત ૯૯ અધિકારી- કર્મચારીઓના અવસાન થયા છે.