ગાંધીનગર : લૉકડાઉનનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે પરંતુ રાજ્યમાં કોરોનાનો કહેર અટકી નથી રહ્યો.કોરોનાના કુલ પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.16મી એપ્રિલના રોજ સવારે 10 વાગ્યા સુધી કોરોનાને કુલ 105 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 871 પર પહોંચી છે.ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તરફથી આ માહિતી આપવામાં આવી છે.
વધુ ત્રણ લોકોનાં મોત :
ગુરુવારે આરોગ્ય અગ્ર સચિવ ડૉક્ટર જયંતિ રવિના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં કોરોનાનાં ત્રણ દર્દીનાં મોત થયા છે.તે સાથે રાજ્યમાં કોરોનાને કારણે કુલ 36 મોત નોંધાયા છે.આજે બે લોકો રિકવર થતાં તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.આ સાથે કુલ રિકવર થયા હોવ તેવા દર્દીઓ 64 થયા છે.અમદાવાદમાં નવા 42 કેસ નોંધાયા
ગુરુવારે સામે આવેલા 105 કેસમાંથી સૌથી વધારે 42 કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે.સુરતમાં 35,વડોદરામાં 6,રાજકોટમાં 3,બનાસકાંઠામાં 4, આણંદમાં 8,નર્મદામાં 4 તેમજ ગાંધીનગર, ખેડા અને પંચમહાલમાં એક એક કેસ નોંધાયા છે.આ સાથે અમદાવાદમાં કોરોના પોઝિટિવ કુલ કેસ 492 થયા છે,જ્યારે કોરોનાને પગલે અમદાવાદ જિલ્લામાં અત્યારસુધી કુલ 17 લોકોનાં મોત થયા છે.
15 એપ્રિલની સ્થિતિ :
15 એપ્રિલ સુધી ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 766 કેસ નોંધાયા છે.જેમાં છ દર્દીઓ વેન્ટીલેટર પર છે,જ્યારે 663 લોકો સ્ટેબલ છે.આ સાથે જ બુધવાર સાંજ સુધી ગુજરાતમાં કોરોના વાયરસને પગલે 33 લોકોનાં મોત થયા છે.આ સાથે જ 64 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે,જેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.બુધવાર સુધી રાજ્યમાં કોરોના વાયરસના સૌથી વધારે 450 કેસ પોઝિટિવ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા હતા.