અમદાવાદ : કોરોના વાયરસના સંક્રમણને પગલે 21 દિવસના લોકડાઉનમાં નાના વેપારીઓના ધંધા રોજગાર પર માઠી અસર પડી છે,તેવામાં હવે ફરી 19 દિવસનું લોકડાઉન જાહેર થઈ ચૂક્યું છે.ત્યારે નાના વેપારીઓના ધંધા રોજગાર ઠપ્પ થતા આ વેપારીઓ બીજા ધંધા તરફ વળ્યા છે કોઈ વેપારી શાકભાજી તો કોઈ વેપારી કરિયાણું વેચવા મજબુર બન્યા છે.
કોઈ ભી ધંધા છોટા નહિ હોતા ઔર ધંધે સે બડા કોઈ ધર્મ નહિ હોતા.. આમ તો આ ફિલ્મી ડાયલોગ છે પરંતુ લોકડાઉનના આ સમય ગાળામાં નાના ધંધાદારીઓ કે નાના વેપારીઓ માટે આ ઉક્તિ સાચી ઠરી છે કારણ કે કોરોના વાયરસના વધતા ખતરા સામે આ લોકડાઉન ના સમયગાળામાં ગરીબ લોકોની અને રોજનું કમાઈને રોજ ખાનારા લોકોની તો હાલત કફોડી બની જ છે પણ સાથે સાથે એવા ધંધાર્થીઓ કે જેઓના ધંધા રોજગાર પણ બંધ થઈ ગયા છે અને હાલ માત્ર બેથી ત્રણ ધંધા એવા છે જે લોકડાઉન હોવા છતાં ચાલુ છે અને તે શાકભાજી, મિલ્ક પાર્લર અને કરિયાણાની દુકાન બસ આ ધંધા જ ચાલુ છે તેવા સમય હવે પોતાના ધંધા બદલી નાખ્યા છે. શહેરમાં ધંધા બંધ થતાં આવક બંધ થઈ ગઈ છે, પરંતુ ઘરનું ભાડું, દુકાનનું ભાડું, વીજળીનું બિલ,ઘર ખર્ચ,રાંધણ ગેસ એવા ખર્ચા કે જે બંધ થયા નથી.એટલું જ નહિ બાળકોના અભ્યાસ માટેની સ્કૂલની ફી છે તે વહેલા મોડી ભરવી પડશે. ત્યારે આવા ખર્ચા માટે આવક ચાલુ રહેવી જરૂરી છે.જેને લઈને નાના વેપારીઓ કે ધંધાદારીઓ એ હાલ પૂરતો ધંધો બદલી નાખ્યો છે. આ અંગે પસ્તી ભંડાર ધરાવતા વેપારી એ જણાવ્યું કે,દરેક વ્યક્તિ એ સમય સમય ને માન આપવું પડે. હાલ પરિસ્થિતિ એવી છે કે,સમય સામે ઝૂકી જવું પડ્યું છે.હાલ એક મહિનાથી લોકોના ઘરે પેપર નખાતા નથી તેમજ ભંગાર કે પસ્તી લેવા માટે પણ સોસાયટીમાં તેઓને જવા દેતા નથી.જેથી ધધો બંધ છે,જેના પગલે માર્કેટમાંથી હોલસેલમાં મળતા શાકભાજી અને કરિયાણું લાવી રિટેલમાં વેચવાનું ચાલુ કર્યું છે.
આવી જ હાલત વાડજમાં કાચના વેપારીની છે તેણે પણ હાલ દુકાન ખૂલતી નથી તેથી હાલત ખરાબ છે અને એટલે ધંધો બદલ્યા વગર છૂટકો નથી. મહત્વનું છે કે,કોરોના વાયરસના કારણે દેશનું અર્થતંત્ર ખોરવાયું છે. મોટા મોટા ઉદ્યોગો ઠપ્પ થઈ ગયા છે ત્યારે નાના વેપારીઓની તો કમર જ તૂટી ગઈ છે.