– વિશ્વભરમાં અનેક કંપનીઓ ડીફોલ્ટ જવાની પણ એક રિપોર્ટમાં ચિંતા વ્યકત કરવામાં આવી
વોશિંગ્ટન
કોરોનાવાઈરસને કારણે અમેરિકન કંપનીઓને અંદાજે ૪ ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનો ભય રહેલો હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું. અમેરિકાની ખાનગી તથા સરકારી કંપનીઓને મળીને આ તબક્કે અંદાજિત ૪ ટ્રિલિયન ડોલરની ખોટ જવાનો સંભવ છે. આ એકદમ ભયાનક ઘટાડો છે. આ નુકસાની ઓછી કરવામાં નહીં આવે તો, તેની અસર લાંબા ગાળા સુધી ચાલુ રહેશે. કોરોનાની અસર વિશ્વભરમાં પડી રહી છે તેને ધ્યાનમાં રાખતા વિશ્વ વેપાર પર આની ૧૨ ટ્રિલિયન ડોલરની અસર પડવા સંભાવાના રહેલી છે એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
આ પાર્શ્વભૂમાં અમેરિકન કંપનીઓએ તેમના મૂડી ખર્ચમાં ૯૦૦ અબજ ડોલરનો કાપ મૂકવો પડી શકે એમ છે. જે તેના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટના ચાર ટકા જેટલું થવા જાય છે. મૂડી ખર્ચ ઉપરાંત અમેરિકાની કંપનીઓએ બાયબેકસ અને મર્જર તથા એકવિઝિશન પાછળના ખર્ચમાં ૬૦૦ અબજ ડોલરનો ઘટાડો કરવાનો વારો આવી શકે છે જે તેના જીડીપીના ૩ ટકા જેટલું થવા જાય છે. આના પરિણામે રોજગારમાં પણ કાપ મૂકવાની ફરજ પડશે.
ઈક્વિટી માર્કેટસની હિલચાલ, માગ-પૂરવઠામાં વધુમાં વધુ ઘટાડો કેટલો થઈ શકે અને આ ઘટાડાને કારણે અમેરિકન કંપનીઓની આવક પર શું અસર પડી શકે તેની માહિતી મેળવીને આ અંદાજ કઢાયો હોવાનું રિપોર્ટમાં ઉલ્લેખવામાં આવ્યું છે.
રાજકોષિય અથવા નાણાંકીય દરમિયાનગીરી કર્યા વગર ૪ ટ્રિલિયન ડોલરનો આંક એટલે અમેરિકાના આ વર્ષના જીડીપીમાં ૬ ટકાથી વધુનો ઘટાડો થવો એમ કહી શકાય. ૨૦૧૯ના અંતિમ સ્તરની સરખામણીએ બીજા ત્રિમાસિક ગાળામાં આથક પ્રવૃત્તિમાં ૧૦ ટકાથી વધુનો ઘટાડો અમે જોઈ રહ્યા છીએ એમ બ્રિજવોટર રિપોર્ટમાં જણાવાયું છે.
બીજા ત્રિમાસિક ગાળામાં અમેરિકન કંપનીઓનો વૃદ્ધિ દર ૩૦ ટકા જેટલો નીચો રહેવાની પણ ધારણાં મુકાઈ રહી છે. આને કારણે મોટાભાગની કંપનીઓનો નફો અને બેલેન્સ શીટસ પરની કેશનું ધોવાણ થઈ જશે. આવી સ્થિતિમાં કંપનીઓના દેવાનો બોજ વધી શકે છે. અનેક કંપનીઓ ડીફોલ્ટ જવાની પણ ચિંતા વ્યકત કરવામાં આવી છે.
આ સમશ્યાને વિવિધ દેશની સરકારો કેવી રીતે હાથ ધરી શકે છે તેના પર બજારોના ભાવિ નિર્ભર રહેશે એમ પણ રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્થિતિનો અંદાજ મેળવીને અનેક દેશની કેન્દ્રીય બેન્કોએ નાણાં નીતિ હળવી કરવા જેવા પગલાં હાથ ધર્યા છે. અમેરિકામાં તો વ્યાજ દર લગભગ શૂન્યની સપાટીએ આવી ગયો છે.