એપ્રિલથી જૂન સુધીના ત્રણ મહિનામાં 2867 કેસમાં કુલ રૂ. 19,964 કરોડની છેતરપિંડી થઇ હોવાની વાત જાહેરક્ષેત્રની બેન્કોએ આરટીઆઇના જવાબમાં જણાવી હતી.
દેશની સૌથી મોટી જાહેરક્ષેત્રની બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ) સાથે સૌથી વધુ છેતરપિંડીના બનાવ બન્યા હતા. જોકે,મૂલ્યના મામલે બેન્ક ઑફ ઇન્ડિયાને સૌથી વધુ ફટકો પડયો હોવાની માહિતી રિઝર્વ બેન્કે આપેલા જવાબમાં જાણવા મળી હોવાની વાત આરટીઆઇ ઍક્ટિવિસ્ટ ચન્દ્રશેખર ગૌરે જણાવી હતી.
જે 12 જાહેરક્ષેત્રની બેન્કો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી,એમાંથી એસબીઆઇ સાથે સૌથી વધુ 2050 છેતરપિંડીના કેસમાં રૂ. 2325.88 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.મૂલ્યની દૃષ્ટિએ સૌથી વધુ બેન્ક ઑફ ઇન્ડિયા સાથે ફકત 47 કેસમાં રૂ. 5124.87 કરોડની, ત્યાર બાદ કેનેરા બેન્ક સાથે 33 કેસમાં રૂ. 3885.26 કરોડની, બેન્ક ઑફ બરોડા સાથે 60 કેસમાં રૂ. 2842.94 કરોડની, ઇન્ડિયન ઑવરસીઝ બેન્ક સાથે 37 કેસમાં રૂ. 1207.65 કરોડની અને બેન્ક ઑફ મહારાષ્ટ્ર સાથે 9 કેસમાં રૂ. 1140.37 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.
આના પ્રમાણમાં દેશની બીજા ક્રમની સૌથી મોટી જાહેરક્ષેત્રની બેન્ક પંજાબ નેશનલ બેન્ક સાથે 240 કેસમાં પ્રમાણમાં ઓછી એટલે કે રૂ. 270.65 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.અન્ય બેન્કોમાં યુકો બેન્ક સાથે 130 કેસમાં રૂ. 831.35 કરોડની, સેન્ટ્રલ ઑફ ઇન્ડિયા સાથે 149 કેસમાં રૂ. 655.84 કરોડની, પંજાબ અને સિંધ બેન્ક સાથે 18 કેસમાં રૂ. 163.3 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.યુનિયન બેન્ક ઑફ ઇન્ડિયા સાથે 49 કેસમાં રૂ. 46.52 કરોડની સૌથી ઓછી છેતરપિંડી કરવામાં આવી હતી.

