– ACBએ 287 આરોપીઓ સામે વર્ષ દરમિયાન 173 કેસ નોંધ્યા : વર્ષ 2021માં ઇતિહાસનો સૌથી મોટી રોકડ જપ્તી અને લાંચના કેસ બન્યા
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની સાથે વર્ષ 2021માં ભ્રષ્ટ્રાચાર પણ વધ્યો હતો. જેમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો માટે વર્ષ 2021નું વર્ષ સૌથી નોંધપાત્ર રહ્યું હતું.જેમાં એસીબીના ઇતિહાસનો સૌથી મોટો લાંચનો રૂપિયા 50 લાખનો કેસ અને કોઇ સીંગલ કેસમાં એસીબીના ઇતિહાસની સૌથી મોટી રૂ.2.28 કરોડની રોકડ જપ્તી ગત વર્ષમાં કરવામાં આવી હતી.જો કે ટોલ ફ્રી નંબર પરથી આવેલી કુલ ફરિયાદને આધારે ગોઠવવામાં આવેલા છટકામાં માત્ર 25 ટકા કેસમાં જ સફળતા મળી હતી.તેમજ વર્ષ દરમિયાન 173 કેસ નોંધીને 287 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. રાજ્યમાં સૌથી ભ્રષ્ટ્રાચાર કરનારમાં ગૃહ વિભાગ પ્રથમ,મહેસૂલ વિભાગ બીજા સ્થાને અને પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ ત્રીજા ક્રમે રહ્યું હતું.
સરકારના વિવિધ વિભાગોમાં ભ્રષ્ટાચાર સામાન્ય બાબત બની ગઇ છે.તેમાં પણ કોરોનાના કપરા કાળમાં જ્યારે લોકોની આર્થિક સ્થિતિ દયનીય હતી ત્યારે સરકારી બાબુઓએ વર્ષ 2021માં એસીબીના ઇતિહાસની સૌથી મોટી લાંચ માંગી હતી અને એસીબીના ઇતિહાસની સૌથી રોકડ જપ્તી પણ કરવામાં આવી હતી.આ અંગે માહિતી આપતા એસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર ડી પી વાઘેલાએ જણાવ્યું કે અમદાવાદ રેંજના આરઆર સેલના એક પોલીસ કર્મચારીએ રૂપિયા 50 લાખની લાંચ માંગી હતી.જે એસીબીની અત્યાર સુધીમાં સૌથી લાંચની રકમનો કેસ હતો.આ ઉપરાંત,ગાંધીનગર સેક્ટર -17 ખાતે સમગ્ર શિક્ષા અભિયાન સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેર નિર્પુણ ચોકસીના રિમાન્ડ દરમિયાન અલગ અલગ બેંકના લોકર્સમાંથી રૂ. 2.28 કરોડની રોકડ મળી આવી હતી.જે અત્યાર સુધી સૌથી મોટી રોકડ જપ્તી છે.જ્યારે એસીબીએ વર્ષ 2021 દરમિયાન 173 કેસ નોંધીને 287 આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી.જેમા ટ્રેપના 122 અને અપ્રમાણસર મિલકતોના 11 કેસનો સમાવેશ થાય છે.
એસીબીએ જે 287 આરોપીઓ સામે કાર્યવાહી કરી તેમાં 103 તો ખાનગી ્વ્યક્તિ છે અને સૌથી વધારે વર્ગ 3ના કર્મચારીઓ દ્વારા જ ભષ્ટ્રાચાર કરાયો હતો.ગુજરાત એસીબી માટે અપ્રમાણસર મિલકતોના કેસ સૌથી મહત્વના રહ્યા હતા.અપ્રમાણસર મિલકતોના નોંધાયેલા 11 કેસમાં એસીબીએ રૂ. 56.62 કરોડની સંપતિ જપ્ત કરી હતી.જે વર્ષ 2020 કરતા રૂ.6.51 કરોડ વધારે હતી. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં ટોલ ફ્રી નંબર 1064 દ્વારા પણ ફરિયાદ આવતી હોય છે.વર્ષ 2021મા ંટોલ ફ્રી નંબરથી 116 ફરિયાદ મળી હતી.જેમાં ગોઠવેલી ટ્રેપમાં 25 ટકા સફળતા મળી હતી.જો કે એસીબી માટે સારી બાબત એ હતી કે કન્વીકશન દર 3 ટકા વધીને 43 ટકા થયો હતો અને વર્ષ 2021માં 318 ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, વર્ષ 2021માં પણ રાજ્યનો ગૃહ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ વિભાગ બન્યો હતો.જેમાં એસીબીએ 74 આરોપીઓ સામે કુલ 49 કેસ ગુના નોંધ્યા હતા.જેમા વર્ગ 3ના 47 આરોપીઓનો સમાવેશ થતો હતો.જ્યારે મહેસૂલ વિભાગમાં 29 કેસ નોંધાયા હતા.45 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને જેમાં વર્ગ 1ના પાંચ આરોપીઓનો સમાવેશ થાય છે.તેમજ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં ભષ્ટ્રાચાર વધ્યો હોવાનો ખુલાસો એસીબીએ કર્યો છે.જેમાં 48 આરોપીઓ સામે કુલ 27 કેસ નોંધાયા હતા.


