કોરોના મહામારી લગભગ તમામ ક્ષેત્રો,અમીરો-ગરીબો,મધ્યમ વર્ગ તમામ માટે આફત બનીને આવી છે.કોઈના ધંધા ઠપ થઈ ગયા છે તો કોઈ મંદીનો સામનો કરી રહ્યા છે.કેટલાક લોકોની નોકરી છૂટી છે.પરંતુ આ કપરો સમય જાણે સરકાર માટે અવસર હોય તેમ આ કોરોના કાળમાં ગુજરાતીઓએ દંડ પેટે સરકારને રૂ.116 કરોડ ચુકવ્યા છે.
આ અંગેની જાણકારી મુજબ, રાજ્યમાં માસ્ક ન પહેરનાર અથવા મોઢું-નાક યોગ્ય રીતે ન ઢાંકનાર 23.64 લાખ લોકો પાસેથી સરકારે 22મી ડિસેમ્બર સુધીમાં કુલ 115.88 કરોડ રૂપિયાનો દંડ વસુલ કર્યો છે.આ અંગે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટેમાં સોગંધનામુ કરી જાણકારી આપી હતી. આ મામલે વધુ સુનાવણી 8મી જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.
આ સોગંદનામામાં જણાવ્યું હતું કે, 18મી ડિસેમ્બર થી 22મી ડિસેમ્બર સુધીમાં ડિસ્ચાર્જ રેટ 92.80 ટકા પર પહોંચી ગયો છે.ઉપરાંત 30મી ઓક્ટોબર બાદથી સાપ્તાહિક ડિસ્ચાર્જ રેટમાં વધારો જોવા મળ્યો છે. 22મી ડિસેમ્બર સુધીમાં વિવિધ કોવિડ હોસ્પિટલોના માત્ર 11 ટકા બેડ જ ભરાયેલા છે.અમદાવાદમાં કુલ 7340 બેડ છે જેમાંથી 1428 બેડ જ ભરાયેલા છે.એટલે કે 79 ટકા બેડ ખાલી છે.રાજ્યમાં 91.62 લાખ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા જે પૈકી 2.37 લાખ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.પોઝિટિવિટી રેટ 2.61 ટકા છે.જ્યારે દેશમાં પોઝિટિવિટી રેટ 6.25 છે.26મી નવેમ્બર પછી સાપ્તાહિક ટેસ્ટિંગમાં ઘટાડો નોંધાયો છે. 18મી ડિસેમ્બરથી 22મી ડિસેમ્બર સુધીમાં 2.73 લાખ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.