અમદાવાદ તા. ૧૬ : ઘણા વર્ષો પછી પહેલીવાર એવું બન્યું છે કે રાજય સરકારે નાણાકીય સંસ્થાઓ પાસેથી રૂપિયા ઉધાર લીધા હોય.કોવિડ-૧૯ના સંકટના કારણે સરકાર પાસે ભંડોળ ખૂટી પડ્યું છે,પરિણામે નાણાકીય સંસ્થાઓની મદદ લેવી પડી છે.ગુજરાત સરકારે એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં વાર્ષિક ૭.૫%ના વ્યાજે ૨,૧૦૦ કરોડ રૂપિયા ઉછીના લીધા છે.હવે લોકડાઉન ૩ મે સુધી લંબાવવામાં આવ્યું છે ત્યારે રાજય સરકાર બેંકો પાસેથી પણ રકમ ઉધાર લઈ શકે છે.જેથી કર્મચારીઓને પગાર અને પેન્શનધારકોને પેન્શન ચૂકવી શકાય.ઉપરાંત કોરોના વાયરસની મહામારીના કારણે જાહેર કરેલા રાહત કાર્યો પાછળ ખર્ચ કરી શકાય તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.જો કે,સરકારને ૨૦ એપ્રિલથી આંશિક રાહત મળશે કારણકે અમુક ઈન્ડસ્ટ્રીઓ ફરીથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.
સરકારના મહત્વના સૂત્ર તરફથી મળેલી જાણકારી પ્રમાણે,માર્ચ મહિનામાં વિવિધ સ્ત્રોતો તરફથી રેવન્યૂ મેળવવામાં નિષ્ફળ રહ્યા.પરિણામે સરકારને ૭.૫% જેટલા ઊંચા વ્યાજદરે ૨,૧૦૦ કરોડ રૂપિયા લેવા પડ્યા કારણકે લોકડાઉનના લીધે બીજા રાજયો પણ ભંડોળ મેળવવાની હોડમાં હતા.નસીબજોગે રાજય સરકારને ૧૬૦૦ કરોડની આસપાસ જીએસટી વળતર મળ્યું હોવાથી વિવિધ રાહત માપદંડો માટે વધુ રૂપિયાની જરૂર નહીં પડે.જો કે,મહિનાના અંતે પગાર અને પેન્શન ચૂકવવા માટે સરકારને રૂપિયા ઉધાર લેવા પડશે.તેમ ટાઇમ્સ ઉમેરે છે.
દર મહિને રાજય સરકારને આશરે ૫ લાખ કર્મચારીઓને પગાર ચૂકવવા માટે ૩,૧૫૦ કરોડ રૂપિયાની જરૂર પડે છે.ઉપરાંત દર મહિને પેન્શન ચૂકવવા માટે સરકારને વધારાના ૧,૫૦૦ કરોડ રૂપિયાની જરૂર પડે છે.સૂત્રએ જણાવ્યું, ચાલુ મહિનાના અંત સુધીમાં રાજય સરકારને ૪,૬૫૦ કરોડથી ૫,૦૦૦ કરોડ રૂપિયા પગાર,પેન્શન ચૂકવવા અને અન્ય રોજિંદા ખર્ચ માટે ઉધાર લેવા પડશે.દરમિયાન રાજય સરકાર આર્થિક ઉપાર્જનના બીજા વિકલ્પો પણ શોધી રહી છે.ગુજરાત સરકારે રાજયની માલિકીના મોટા PSUs (પબ્લિક સેકટર યુનિટ્સ)ને રિઝર્વ ફંડમાંથી ૩૦% રકમ સ્પેશિયલ કેસમાં આપવાની વિનંતી કરી છે.એક સરકારી સૂત્રના કહેવા પ્રમાણે,ખાસ જરૂરિયાત ઊભી થાય તો રાજય સરકાર કોઈ પણ PSUને ફંડ આપવા હુકમ કરી શકે છે.વિવિધ PSU તરફથી રાજય સરકારને આશરે ૫૦૦ કરોડ રૂપિયા મળી શકે છે.