અમેરિકા અને બ્રિટનમાં વેક્સિનેશન શરૂ થઈ ચૂક્યું છે,ભારતમાં પણ આ અઠવાડિયામાં વેક્સિનેશન શરૂ થઈ જશે,જ્યારે કોરોના વાઇરસનું સ્વરૂપ સતત બદલાઈ રહ્યું છે. હવે જાપાનમાં વાઇરસનો નવો સ્ટ્રેન સામે આવ્યો છે.એ બ્રાઝિલથી ત્યાં પહોંચ્યો છે. આ સ્ટ્રેન બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા સ્ટ્રેનથી અલગ છે. જાપાન સરકારના જણાવ્યા પ્રમાણે, ચાર લોકોમાં નવો સ્ટ્રેન મળ્યો છે, જેમાં 40 વર્ષનો પુરુષ, 30 વર્ષની સ્ત્રી અને 2 કિશોરોનો સમાવેશ છે.અગાઉ જાપાનમાં બ્રિટન અને દક્ષિણ આફ્રિકાના સ્ટ્રેનના લગભગ 30 કેસ સામે આવી ચૂક્યા છે
આ દરમિયાન કોરોના વાઇરસના દુનિયામાં 9 કરોડ 06 લાખ 88 હજાર 733 કેસ નોંધાઈ ચૂક્યા છે.અત્યારસુધીમાં 19 લાખ 43 હજાર 90 લોકોનાં મૃત્યુ થયાં છે. સારી વાત એ છે કે 6 કરોડ 48 લાખ 11 હજાર 380 લોકો સાજા પણ થયા છે
બ્રાઝિલથી જાપાન પહોંચેલા ચાર લોકોમાં આ નવો સ્ટ્રેન મળી આવ્યો
રોયટર્સના અહેવાલ મુજબ,જાપાનના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે બ્રાઝિલથી જાપાન આવેલા ચાર લોકોમાં આ નવો સ્ટ્રેન મળી આવ્યો છે.2 જાન્યુઆરીએ, બ્રાઝિલથી આવેલા એક પુરુષ મુસાફરને ટોક્યો એરપોર્ટ પર શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી,જ્યારે એક મહિલા મુસાફરને માથાનો દુખાવો અને ગળામાં દુખાવો થઈ રહ્યો હતો.જ્યારે ત્રીજા મુસાફરને તાવ હતો.ચારમાંથી માત્ર એક જ વ્યક્તિમાં કોઈ લક્ષણો નહોતા. એરપોર્ટ પર જ ચારેય મુસાફરોને ક્વોરંટાઈન કરી દેવામાં આવ્યા હતા.જાપાને પણ બ્રાઝિલને કોરોનાના આ નવા સ્ટ્રેન બાબતે જણાવ્યુ છે અને વર્લ્ડ હેલ્થ ઓરેનાઇઝેશનને પણ આ બાબતે માહિતી મોકલવામાં આવી છે.
જાપામાં મળી આવેલા સ્ટ્રેન બાબતે વૈજ્ઞાનિકો અભ્યાસ કરી રહ્યા
જાપાનના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે કોરોનાનો આ નવો સ્ટ્રેન વધુ સંક્રમણ ફેલાવનારો છે કે કેમ તે જાણવા અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.જાપામાં મળી આવેલા સ્ટ્રેન બાબતે વધુ જાણકારી મેળવવા માટે વૈજ્ઞાનિકો અભ્યાસ કરી રહ્યા છે.બ્રાઝિલિયન આરોગ્ય મંત્રાલય એવું કહેવામાં આવે છે કે તેને જાપાનથી માહિતી મળી છે કે કોરોનાના આ નવા સ્ટ્રેનમાં 12 મ્યૂટેશન છે.આમાંથી એક મ્યૂટેશન બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા નવા કોરોના વાયરસ જેવું જ છે. આને કારણે શક્ય છે કે જાપાનમાં મળી આવેલો નવો સ્ટ્રેન પણ વધુ સંક્રમણ ફેલાવનારો હોય.