– કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ તબલીગી જમાતીઓ પર નિશાન સાધ્યું
નવી દિલ્હી, તા. 28 એપ્રિલ 2020, મંગળવાર
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ તબલીગી જમાત સાથે સંકળાયેલા લોકો દ્વારા પ્લાઝમા ડોનેટ કરવાની વાત સામે આવ્યા બાદ આ સંગઠન પર નિશાન સાધ્યું છે.મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે કોરોના ફેલાવનાર લોકો પોતાને કોરોના વૉરિયર કહી રહ્યા છે.નકવીએ દાવો કર્યો કે આ દરેક ભારતીય મુસલમાનને તબલીગી સાબિત કરવાનું તબલીગી ષડયંત્ર છે.
મુખ્તાર અબ્બાસ નકવીએ ટ્વિટ કર્યુ છે કે ભારતમાં કોરોના ફેલાવનાર તબલીગી પોતાને કોરોના વૉરિયર્સ હોવાનું કહી રહ્યા છે.કમાલ છે.તબલીગી પોતાના ગુનાઓ પર શરમ કરવાની જગ્યાએ લાખો કોરોના વૉરિયર્સનું અપમાન કરી રહ્યા છે.આને કહેવાય ચોરી ઉપરથી સીનાજોરી.નકવીએ પોતાની બીજી ટ્વિટમાં કહ્યું,બેશક કેટલાક રાષ્ટ્રભક્ત મુસલમાનોએ જરૂરતમંદ લોકોને પ્લાઝમા ડોનેટ કર્યા છે પરંતુ તેમને તબલીગી કહેવું યોગ્ય નથી. દરેક હિન્દુસ્તાની મુસલમાનને તબલીગી સાબિત કરવાનું તબલીગી ષડયંત્ર છે.કેન્દ્રીય મંત્રી નકવીએ એવા સમયે આ નિવેદન આપ્યું છે જ્યારે તબલીગી જમાતના 10 સભ્ય દિલ્હીમાં કોરોના પીડિત દર્દીઓની મદદ કરવા માટે તૈયાર થયા અને તેમની સારવાર માટે પોતાના પ્લાઝમા ડોનેટ કર્યા.આ તમામ તબલીગી જમાતના સભ્ય દિલ્હીમાં આયોજિત ધાર્મિક આયોજનમાં સામેલ થયા હતા અને જેમનો રિપોર્ટ કોરોના પૉઝિટિવ હતો.