। નવી દિલ્હી ।
દેશમાં કોરોના વાઇરસનો પ્રસાર દિનપ્રતિદિન વધી રહ્યો છે. ગુરુવારે કોરોના વાઇરસે દેશમાં ૧૧ લોકોનો ભોગ લેતાં મોતનો કુલ આંકડો ૭૦ પર પહોંચી ગયો હતો. છેલ્લા ૧૧ દિવસમાં દેશમાં કોરોના વાઇરસના ૧,૫૦૦ પોઝિટિવ કેસ નોંધાયાં છે અને ૬૧ લોકોનાં મોત થયાં છે. ગુરુવારે પંજાબમાં અમૃતસર સ્થિત સુવર્ણ મંદિરના પૂર્વ હઝૂરી રાગી નિર્મલસિંહ ખાલસાનું નિધન થયું હતું. મધ્યપ્રદેશના ઇન્દોરમાં ૬૫ વર્ષીય મહિલા અને ૫૬ વર્ષીય પુરુષના કોરોનાના કારણે મોત થયાં હતાં. રાજસ્થાનમાં અલવરના વતની એવા ૮૫ વર્ષીય વૃદ્ધનું કોરોના વાઇરસના કારણે મોત થયું હતું. હરિયાણાના અંબાલામાં ૬૭ વર્ષીય કોરોના પોઝિટિવ વૃદ્ધે છેલ્લા શ્વાસ લીધા હતા. આ ઉપરાંત ગુજરાતના વડોદરામાં શ્રીલંકાથી પરત ફરેલા બાવન વર્ષીય વ્યક્તિનું કોરોનાના કારણે મોત થયું હતું. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, નિઝામુદ્દીનમાં તબલિગી જમાતમાં હાજરી આપનારા બે વ્યક્તિમાં ગુરુવારે મોત થયાં હતાં.
દેશભરમાં ગુરુવારે કોરોના સંક્રમણના ૪૭૭ કેસ સામે આવ્યા હતા. આ સાથે દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૨,૫૩૬ પર પહોંચી હતી. બીજી તરફ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧૧ લોકોનાં મોત થયાં હતાં. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે જણાવ્યું હતું કે, દેશભરમાં તબલિગી જમાત સાથે સંકળાયેલા ૪૦૦ લોકો કોરોનાથી સંક્રમિત થયાં છે. બીજી તરફ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ ગુરુવારે જણાવ્યું હતું કે, ૨૧ દિવસના લોકડાઉન પછી ૧૫મી એપ્રિલથી એક પછી એક કેસના આધારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરાશે. સરકાર પરિસ્થિતિની સમીક્ષા કરે તે પછી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય લેવાશે.
હડકંપ : યુપીના એક ક્વોરન્ટાઇન સેન્ટરમાંથી કોરોનાના ૩૫ દર્દી ફરાર, ૨૯ સામે ગુનો
ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાના એક ગામના ક્વોરન્ટાઇન સેન્ટરમાંથી શંકાસ્પદ કોરોના વાઇરસના ૩૫ દર્દીઓ ફરાર થઈ ગયા હતા. હાથરસના જિલ્લા કલેકટરેે જણાવ્યું હતું કે, આ લોકો અન્ય રાજ્યોમાંથી આવ્યા હતા. ભાગેડુઓમાંથી ૬ લોકો પાછા આવી ગયા હતા જ્યારે ૨૯ લોકોની સામે FIR દાખલ કરવામાં આવી છે.
લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા સામે કેસ નોંધવા આદેશ
કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગુરુવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા સામે આઇપીસીની વિવિધ ધારાઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ અંતર્ગત કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. ૨૪ માર્ચે ચેતવણી અપાઈ હતી છતાં લોકો સરેઆમ લોકડાઉનનું ઉલંલઘન કરી રહ્યા છે.
૧૫ લાખની વસતી ધરાવતી ધારાવીમાં બીજો કેસ નોંધાયો
મુંબઇમાં આવેલી ૧૫ લાખની વસતી ધરાવતી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતી ધારાવીમાં ૫૬ વર્ષીય વ્યક્તિનું કોરોનાના કારણે મોત પછી ધારાવીમાં જ બીએમસીમાં સફાઇ કામદાર તરીકે કામ કરતા એક બાવન વર્ષીય વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
કોરોના પીડિતની પથારી ફાળવાતાં માતા અને બાળક સંક્રમિત
મુંબઇની સાંઈ હોસ્પિટલમાં એક કોરોના સંક્રમિત વ્યક્તિની પથારીમાં જ એક મહિલા અને તેના ૩ દિવસના બાળકને સારવાર માટે સુવડાવતાં માતા અને બાળક બંને કોરોનાથી સંક્રમિત થયાં હતાં. બીજી તરફ મુંબઇના મલાડમાં કોરોનાના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર ૬૫ વર્ષીય મુસ્લિમને કબ્રસ્તાનના ટ્રસ્ટીઓએ દફનાવવાની પરવાનગી આપવાનો ઇનકાર કરતાં તેમને અગ્નિદાહ અપાયો હતો.