કોરોના વાયરસના જન્મસ્થળને લઇ ચીન અને અમેરિકાની વચ્ચે જુબાની જંગ છેડાયો છે. ચીનના વુહાન શહેરમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યા બાદ હવે ચીન આ સંકટમાંથી ઉભરતું દેખાઇ રહ્યું છે. તેની સાથે જ ચીનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે કોરોના વાયરસ અમેરિકાથી ફેલાયો છે. ચીનના આ દાવા બાદ હવે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને ‘ચાઇનીઝ વાયરસ’ કહેતા જોરદાર પ્રહાર કર્યો છે. સોશિયલ મીડિયામાં ટ્વિટર પર ‘Chinese Virus’ શબ્દ જબરદસ્ત ટ્રેન્ડ થઇ રહ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારના રોજ ટ્વીટ કરીને લખ્યું કે અમેરિકા પૂરી તાકાતની સાથે એરલાઇન જેવા એ ઉદ્યોગોને મદદ કરી રહ્યું છે જે ખાસ કરીને ચીની વાયરસથી પ્રભાવિત થયા છે. અમે એટલા વધુ મજબૂત થઇશું જેટલા પહેલાં અમે કયારેય નહોતા. તેમણે કહ્યું કે આવતા 15 દિવસમાં આ વાયરસનો પ્રભાવ ઓછો થઇ શકે છે અને તમામ અમેરિકન નાગરિક સંયમ રાખે.પોતાના પાડોશીઓની મદદ કરો.
અમેરિકામાં કોરોનાના 4576 કેસ, 87ના મોત
અમેરિકન રાષ્ટ્રપતિની આ ટ્વીટ એવા સમય પર આવી છે જ્યારે અમેરિકામાં કોરોના વાયરસથી સંક્રમણના 4576 કેસ સામે આવ્યા છે. અમેરિકામાં 87 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે અને 60 લોકો ગંભીર છે. ટ્રમ્પની આ ટ્વીટ બાદ ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સના એડિટર હ શિનજિને લખ્યું કે અમેરિકન શેર બજાર તૂટવાથી ટ્રમ્પની ટીમને મોટો ઝાટકો લાગ્યો છે. અમેરિકાની પાસે આ મહામારીને ઉકેલવાની કોઇ અસરકારક રીત નથી. ડરના આ માહોલમાં તેઓ પોતાને બચાવા માટે એટલું કરી શકે છે કે ચીનને બલિનો બકરી બનાવી દે.આની પહેલાં કોરોના સંકટના કેન્દ્ર બિંદુ ચીને દાવો કર્યો હતો કે આ ઘાતક વાયરસ અમેરિકાથી ફેલાયો છે. એટલું જ નહીં ચીને એમ પણ કહ્યું હતું કે વુહાનમાં તેના સંક્રમણની પાછળ અમેરિકન સેનાનો હાથ હોઇ શકે છે. કોરોના સંક્રમણની સૌથી પહેલી પુષ્ટિ ચીનના હુબેઇ પ્રાંતમાં થઇ હતી. હુબઇની રાજધાની વુહાન આ વાયરસથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત છે. જો કે હવે ત્યાં સંક્રમણની રફતાર કાબૂમાં છે.
ચીને અમેરિકાને ગણાવ્યું કોરોનાનું ‘જન્મસ્થળ’
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા લિજિયન ઝાઉએ ગુરૂવારના રોજ દાવો કર્યો હતો કે કોરોના વાયરસ અમેરિકામાં જન્મયો અને બની શકે છે કે વુહાનમાં તેને લાવવા પાછળ અમેરિકન સેના હોય. પ્રવકતાએ અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના ડાયરેકટર રોબર્ટ રેડફીલ્ડના એક વીડિયોને પણ ટ્વીટ કર્યો છે જેમાં તેઓ કથિત રીતે સ્વીકાર કરી રહ્યા છેકે ફ્લૂથી કેટલાંક અમેરિકન મર્યા હતા પરંતુ મોત બાદ ખબર પડી કે તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હતા. રેડફીલ્ડે અમેરિકન સાંસદની સમિતિ સામે બુધવારના ગયા રોજ આ સ્વીકાર કર્યો હતો.
લિજિયન ઝાઉએ એક બીજી ટ્વીટમાં પ્રશ્ન કર્યો કે અમેરિકામાં કેટલાં લોકો સંક્રમિત છે, કેટલા હોસ્પિટલોમાં દાખલ છે, સૌથી પહેલાં કયો દર્દી સંક્રમિત હતો, આ બધા આંકડાને જાહેર કરવા જોઇએ. પ્રવકતાએ આરોપ મૂકયો કે અમેરિકન સેના જ વુહાનમાં કોરોના વાયરસ લઇને આવી હોય. તેમણે કહ્યું કે અમેરિકાએ અમને સ્પષ્ટીકરણ આપવું પડશે.
COVID-19 પર જવાબ આપે અમેરિકા: ચીન
ઝાઉએ એક બીજી ટ્વીટમાં લખ્યું, ‘અમેરિકામાં સીડીસીના રોબર્ડ રેડફીલ્ડે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની સામે એ સ્વીકાર કર્યો કે ઇન્ફ્યુઅંજાથી થનાર કેટલાંક મોતોનું અસલી કારણ કોવિડ-19 હતું. અમેરિકામાં ઇન્ફ્લુઅંજાના 3.4 કરોડ કેસ થયા અને 20,000ના મોત થયા. કૃપ્યા અમને બતાવો કે તેમાંથી કેટલાં કેસ COVID-19 સાથે જોડાયેલા છે.’