મુંબઇ,તા.૨૪
ચીન સિવાયના દેશમાં કોરોનો વાઈરસ ફેલાતાં આજે વૈશ્વિક રાહે ભારતીય શેરબજારમાં ૮૦૭ પોઈન્ટ્સનું તોતિંગ ગાબડું પડયું હતું. ચીન બાદ ઈટલીમાં પણ કોરોના વાઈરસ પ્રસરતા આજે સવારથી જ વૈશ્વિક બજારોમાં ઘટાડા તરફી હવામાન જોવા મળ્યું હતું.
સોમવારે દિવસ દરમિયાન બીએસઇ સેન્સેક્સ ઉપરમાં ૪૧,૦૩૭.૦૧ અને નીચામાં ૪૦,૩૦૬.૩૬ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૮૦૬.૮૯ પોઈન્ટ્સ અથવા ૧.૯૬ ટકા ગગડીને ૪૦,૩૬૩.૨૩ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૨,૦૧૨.૫૫ અને નીચામાં ૧૧,૮૧૩.૪૦ પોઈન્ટ્સની રેન્જમાં અથડાયા બાદ ૨૪૨.૨૫ પોઈન્ટ્સ અથવા ૨.૦૧ ટકા ઘટીને ૧૧,૮૩૮.૬૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ મિડકેપ અને બીએસઇ સ્મોલકેપ અનુક્રમે ૧.૬૦ ટકા અને ૧.૫૮ ટકા ઘટીને બંધ રહ્યા હતા.
સોમવારે મેટલ, ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ, રિયલ્ટી તેમજ બેક્ન શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. આજે બીએસઇમાં તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા.
આજે ઘટીને બંધ રહેલા મુખ્ય શેરોમાં ટાટા સ્ટીલ ૬.૩૯ ટકા, ઓએનજીસી ૪.૭૨ ટકા, મારુતિ ૪.૨૪ ટકા, ટાઈટન ૩.૪૨ ટકા, આઇસીઆઇસીઆઇ બેક્ન ૩.૧૩ ટકા, એચડીએફસી ૨.૮૨ ટકા, ભારતી એરટેલ ૨.૮૦ ટકા, બજાજ ઓટો ૨.૭૬ ટકાનો સમાવેશ થાય છે.
દક્ષિણ કોરિયામાં કોરોનાના કેસો વધતા હાઈ એલર્ટ અપાયું હોવાથી ઈટલા અને ઈરાને પણ આ રોગચાળાના ડામવા આકરા પગલાં લીધા હોવાથી વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળ થવાની દહેશત જોવા મળી હતી. આ ઉપરાંત આંતરાષ્ટ્રીય મુદ્રો કોષ (આઈએમએફ)એ કરેલી આગાહી મુજબ પહેલેથી જ કથળેલી વૈશ્વિક આર્થિક સ્થિતિ પર કોરોના વાયરસ બેવડો ફટકો પુરવાર થશે.
સ્થાનિક શેરબજારોમાં આજે સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. જેમાં મુંબઈ શેરબજારમાં આશરે ૧૯૫થી વધુ શેરો તેમની ૫૨ સપ્તાહની નીચલીએ સપાટીએ પહોંચ્યા હતા. જેમાં હીરો મોટોકોર્પ, લાર્સન અને ટુબ્રો, બંધન બેક્ન, કેનેરા બેક્ન, એનબીસીસી, એચપીસીએલ, ઇન્ડિયન ઓવરસીઝ બેક્ન, તેજસ નેટવર્ક અને એલઆઇટી ફાઇનાન્સનો સમાવેશ થાય છે.
આ પહેલા ગુરુવારે, વૈશ્વિક અર્થતંત્રમાં કોરોના વાયરસને કારણે મોટો ઘટાડો નોંધાયો હતો. જ્યાં સેન્સેક્સ ૧૫૨.૮૮ પોઇન્ટ ઘટીને ૪૧,૧૭૦.૧૨ ના સ્તર પર સ્થિર થયો છે. નિફ્ટીમાં પણ ૪૫.૦૫ પોઇન્ટનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. નિફ્ટી ૧૨,૦૮૦.૮૫ પર બંધ રહ્યો હતો. બુધવારે બજારમાં તેજી જોવા મળી હતી.
કોરોના વાયરસ ઇફેક્ટ : સેન્સેક્સમાં ૮૦૭ અંકનું તોતિંગ ગાબડું
Leave a Comment