– ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં જ ૩૨ લોકોના મોત : દેશમાં ૬૮નો ભોગ લેવાયો
નવી દિલ્હી તા. ૩૦ : ગઇકાલે ભારતમાં વધુ ૬૮ લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ગયા છે,જયારે એકલા મહારાષ્ટ્રમાં ૩૨ના મોત થયા છે. આ મહારાષ્ટ્ર્માં એક દિવસમાં થયેલા મૃત્યુની મોટી સંખ્યા છે.જયારે દેશમાં કુલ ૧૦૮૦ના મોત થઈ ગયા છે.એક દિવસમાં વધુ ૧૬૩૫ કોરોના પોઝિટિવ કેસમાં વધારો થયો છે.દેશમાં કુલ કોરોના પોઝિટિવનો આંકડો ૩૩,૦૪૫ પર પહોંચી ગયો છે.જયારે એક સારા સમાચાર એ પણ છે કે કુલ ૮૦૦૦ કરતા વધુ લોકો એટલે કે ૨૪% દર્દીઓ સાજ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.
દિલ્હીમાં કોરોના વાયરસના કારણે પાછલા એક દિવસમાં ૨ લોકોના મોત સાથે ૨૦૬ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.જયારે હેલ્થ વર્કર્સ પણ કોરોના વાયરસના સકંજામાં આવવાનું યથાવત છે અહીં AIIMSની એક નર્સ અને ત્રણ અન્ય સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યા છે.જયારે ગુજરાતમાં વધુ ૧૬, મધ્યપ્રદેશમાં ૧૦,રાજસ્થાનમાં ૩,તામિલનાડુ અને બાંગ્લાદેશમાં ૨-૨ અને કર્ણાટકામાં ૧નું કોરોના વાયરસના કારણે મોત થયું છે.મહારાષ્ટ્રમાં સળંગ બીજા દિવસે ૩૦થી વધુ લોકોનો કોરોનાએ ભોગ લીધો છે,જયારે ૫૯૭ નવા કેસ નોંધાયા છે.મુંબઈમાં કોરોના વાયરસના કેસ ૬,૬૪૪ પર પહોંચ્યા છે અને મહારાષ્ટ્રનો કુલ આંકડો ૧૦ હજારની નજીક પહોંચી ગયો છે.મહારાષ્ટ્રમાં ૩૨ લોકોના કોરોના વાયરસથી મોત થયા જેમાંથી ૨૬ મુંબઈના છે.રાજયમાં અત્યાર સુધીમાં કુલ ૪૩૨ લોકોના મોત થઈ ગયા છે જયારે મુંબઈમાં ૨૭૦ના મોત નોંધાયા છે.મહારાષ્ટ્રમાં કોરોના પીડિતોનો આંકડો ૯૯૧૫ થયો છે. સોમવારથી પહેલાની સરખામણીમાં આંકડાઓમાં ઘટાડો નોંધાયો છે.આ તરફ રાજસ્થાનમાં નવા ૭૪ કેસ નોંધાયા છે,એક દિવસ નોધાયેલા ૧૦૨ પોઝિટિવ કેસ બાદ ઘટાડો નોંધાયો છે.રાજયમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૨૪૩૮ થયો છે.બુધવારે જયપુરમાં વધુ ત્રણના મોત સાથે કુલ મૃત્યુઆંક ૫૫ પર પહોંચી ગયો છે.તામિલનાડુમાં બીજા દિવસે પણ ત્રણ આંકડામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને તેમાંથી મોટાભાગના કેસ ચેન્નાઈના છે, રાજયમાં નોંધાયેલા નવા ૧૦૪ કેસમાંથી ૯૪ કેસ ચેન્નાઈના છે.વધુ બેના મોત સાથે રાજયમાં કુલ મૃત્યુંઆંક ૨૭ થયો છે.જેમાં ૬૫ વર્ષના કેન્સર પીડિત અને ૨૬ વર્ષની મહિલાનું મોત નોંધાયું છે.આ તરફ આંધ્રપ્રદેશમાં ૭૩ નવા કેસ નોંધાયા છે અને રાજયોનો કુલ પોઝિટિવ કેસનો આંક ૧૩૩૨ થયો છે. આ તરફ બિહારમાં ૩૭ નવા કેસ સાથે કુલ કેસ ૪૦૩ થયા છે.દિલ્હીથી આવેલા ૫ પ્રવાસી મજૂરો કોરોના પોઝિટિવ આવ્યા છે.આ તરફ ઝારખંડમાં સળંગ બીજા દિવસે વધુ ૨ કેસ સાથે રાજયનો કુલ આંકડો ૧૦૭ થયો છે.