- શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 104 થઈ
– સુરતમાં ઓમિક્રોનના બે કેસ થતા પાલિકા સતર્ક બની છે.કાપડ અને હીરા બજારમાં માસ્ક વગર એન્ટ્રી ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.સાથે જ વેક્સિનેશન ઝડપથી થાય તે માટે ભાર મુકાઈ રહ્યો છે.શુક્રવારે શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 19 કેસ નોંધાયા છે.સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશન સેન્ટરની સંખ્યા વધારી દેવાઈ છે.વેક્સિન ન લેનારને સરકારી ઈમારતો અને બસમાં પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.પાલિકા આગામી 27મીના રોજ મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરી રહી છે.
પોઝિટિવ કેસનો આંક 1,44,246 પર પહોંચ્યો : શુક્રવારે શહેરમાં 18 અને જિલ્લામાં 01 કેસ સાથે વધુ 19 કેસ નોંધાયા છે.શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 144246 થઈ ગઈ છે.એક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું.અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક 2118 થયો છે.જ્યારે 8 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં 142035 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 104 નોંધાઈ છે.સુરતમાં ઓમિક્રોનના બે કેસ થતા પાલિકા સતર્ક બની છે.ઓમિક્રોન પોઝિટિવના સંપર્કમાં આવેલા તમામના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.
રસીકરણની કામગીરી તેજ કરાઈ : ઓમિક્રોનના ખતરાને આગળ વધતો અટકાવવા માટે તથા તમામ શહેરીજનોને સુરક્ષિત કરવા માટે વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.પાલિકા દ્વારા આજે પ્રથમ ડોઝ માટે 44 સેન્ટર અને બીજા ડોઝ માટે 91 સેન્ટર પર બીજા ડોઝ માટે વેક્સિન અપાઈ રહી છે.જ્યારે 2 વિદેશ જનારાને રસી અપાઈ રહી છે.આ સાથે 11 કોવેક્સિન સેન્ટર પર રસી અપાઈ રહી છે.આમ કુલ 148 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.