લોકડાઉનમાં RBIનો ઈકોનોમી બૂસ્ટર ડોઝ, રેપો રેટમાં 75 બેસિઝ પોઈન્ટનો ઘટાડો
એજન્સી, મુંબઈ
કોરોના વાયરસ તેમજ તેના કારણે ફેલાઈ રહેલી બીમારીના આતંક વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થા સતત લથડી રહી છે. આ અંતર્ગત રિઝર્વ બેંકે લોકોની આશા પ્રમાણે રેપો રેટમાં 75 બેઝિઝ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ રેપો રેટ 5.15થી ઘટીને 4.45 ટકા પર આવી ગયો છે. રેપો રેટમાં કરવામાં આવેલો આ ઘટાડો RBIના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે. આરબીઆઈએ રિવર્સ રેપો રેટ પણ 90 બેઝિસ પોઈન્ટ ઘટાડીને 4 ટકા કર્યો છે. તેમજ સીઆરએર 100 બેઝિસ પોઈન્ટ ઘટાડીને ત્રણ ટકા કર્યો છે. 28મી માર્ચથી એક વર્ષ માટે આ ઘટાડેલો સીઆરઆર લાગુ પડશે. સીઆરઆરમાં ઘટાડાથી બેન્કો પાસે 1.37 લાખથ કરોડની વધારાની મૂડી આવશે. આ સિવાય આ પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવેલી જાહેરાતોમાંથી એક છે કે આગામી ત્રણ મહિના સુધી દેશની જનતાને તમામ પ્રકારના હપ્તાઓમાં રાહત આપવામાં આવી છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આગામી ત્રણ મહિના સુધી તમામ પ્રકારના હપ્તાઓ પર રાહત આપતા કહ્યું કે, આગામી ત્રણ મહિનામાં લોકો પોતાના હપ્તાની ચૂકવણી નહીં કરે તો ચલાવી લેવામાં આવશે. આ માટે RBIએ બેંકોને આદેશ આપી દીધા છે. આરબીઆઈએ તમામ ટર્મ લોન તેમજ વર્કિંગ કેપિટલ જરૂરિયાત પર ત્રણ મહિના સુધી ઈએમઆઈ હોલ્ડ કરવા બેન્કોને જણાવ્યું છે. આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં 4-2ની બહુમતિથી આ નિર્ણય લેવામાં આવ્યા છે.
ગુરૂવારના રોજ રાહત પેકેજની જાહેરાત વખતે નાણા મંત્રીએ આ વિષય પર કોઈ જ પ્રકારનું નિવેદન આપ્યું નહતું. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ વડાપ્રધાન મોદીને પત્ર લખીને આ અંગે અપીલ કરી હતી કે લોકોના ઈએમાઈની ચૂકવણીને છ મહિના સુધી ટાળી દેવી જોઈએ. રેપો રેટમાં કરવામાં આવેલા ઘટાડાનો લાભ તમામ પ્રકારની લોન સહિત તમામ પ્રકારના હપ્તા ભરનારા કરોડો લોકોને મળશે.
RBI ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જો કોરોનાના કારણે સર્જાયેલી આ પરિસ્થિતિ વધારે લાંબી ખેંચાશે તો દુનિયામાં મંદી આવી શકે છે જેની અસર ભારત પર પણ પડી શકે છે. ભારતમાં કોરોનાના કારણે વિકાસદર ઓછો થશે. જોકે તેલની ઘટી રહેલી કિંમતને કારણે લાભ થાય તેવી આશા છે.