મુંબઇ : સુશાંત રાજપુતના મોત પછી બહાર આવેલા બોલિવુડ ડ્રગ કેસમાં આરોપી રિયા ચક્રવર્તીને આઈફા એવોર્ડમાં ભાગ લેવા અબુધાબી જવા માટે કોર્ટની મંજૂરી મળી હોવા છતાં તેણે હવે માંડી વાળ્યુું છે. રિયાએ આ અંગે એનડીપીએસ કોર્ટને જાણ કરી છે.રિયા વતી તેના ધારાશાસ્ત્રીએ એનડીપીએસ કોર્ટને જણાવ્યું હતું કે રિયાએ વિદેશ જવા માટે કોર્ટની મંજૂરીની માગણી કરી ત્યારે તેને ખબર ન હતી કે તેની સામે કોઈ એજન્સીએ લૂક આઉટ નોટિસ પણ જારી કરી છે.હવે આ જાણ થતાં રિયાએ વિદેશ જવાનું મુલત્વી રાખ્યું છે.વકીલે કહ્યું હતું કે હવે રિયા વિદેશ નહીં જવાની હોવાથી તેનો પાસપોર્ટ પાછો મેળવવાની કોઈ જરુર નથી.એનડીપીએસ કોર્ટે આ રજૂઆતની નોંધ લઈ એનસીબીને આનુષંગિક કાર્યવાહી માટે જણાવ્યું હતું.
આ અગાઉ કોર્ટે રિયાને અબુધાબીની ભારતીય એમ્બેસીમાં રોજ હાજરી પુરાવવાની શરતે વિદેશ જવા મંજૂરી આપી હતી.તે વખતે રિયાએ એમ કહ્યું હતું કે પોતાને આ ઇવેન્ટમાં સક્રિય ભૂમિકા ભજવવાની છે અને તેનો પરિવાર આર્થિક રીતે તેના પર આધારિત હોવાથી આ ઇવેન્ટમાં જવું વ્યવસાયિક રીતે તેના માટે જરુરી છે.રિયાની પહેલાં જેક્વેલિન ફર્નાન્ડિઝે પણ અબુધાબી જવા દિલ્હીની કોર્ટની પરવાનગી મેળવી હતી. જેક્વેલિન ઓલરેડી અબુધાબી પહોંચી ગઈ છે.


