– ઈઝરાયેલી કંપની એનએસઓ પાસેથી ખાસ જાસૂસી સોફ્ટવેર ખરીદવા ફેસબુકના પ્રતિનિધિએ ૨૦૧૭માં વાતચીત કરી હતી : બંને કંપનીએ એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળ્યો
નવી દિલ્હી,
સોશિયલ મીડિયા કંપની ફેસબુક અને ઈઝરાયેલી ગ્રુપ એનએસઓ વચ્ચે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.બંને કંપનીઓએ કોર્ટમાં ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા હતા. એમાં ધડાકો થયો હતો કે ફેસબુકે યુઝર્સની જાસૂસી માટે ઈઝરાયેલી કંપનીની મદદ માગી હતી.
ફેસબુકના પ્રતિનિધિએ ૨૦૧૭માં ઈઝરાયેલી કંપની એનએસઓ પાસેથી જાસૂસી સોફ્ટવેર ખરીદવા માટે વાતચીત કરી હતી.યુઝર્સની માહિતી ટ્રેક કરવા માટે સોફ્ટવેર ખરીદવાની પેશકશ ફેસબુકે કરી હતી.કોર્ટમાં ફાઈલ કરાયેલા દસ્તાવેજોમાં એનએસઓએ એવો દાવો કર્યો હતો. એનએસઓના ગ્રુપ સીઈઓ શાલેવ હૂલિયોએ કહ્યું હતું કે ૨૦૧૭માં ફેસબુકે પેગાસસ સોફ્ટવેરના કેટલાક ટૂલ્સ ખરીદવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો.
પેગાસસ એવો સોફ્ટવેર છે કે જેની મદદથી વોટ્સએપ હેકિંગ થયાનો આરોપ પણ લાગી ચૂક્યો છે. આ સોફ્ટવેરની મદદથી ભારત સહિતના દુનિયાભરના યુઝર્સના ડેટા ચોરી થયાનો મામલો સામે આવ્યો હતો. ફેસબુકે એ માટે ઈઝરાયેલી કંપનીને જવાબદાર ગણાવી હતી. તો ઈઝરાયેલી કંપનીએ એ માટે ફેસબુક ઉપર દોષનો ટોપલો ઢોળ્યો હતો.આખરે આ મુદ્દે કોર્ટમાં કેસ થયો ત્યારે ફેસબુકે સોફ્ટવેર ખરીદવાની વાતચીત કરી હોવાનો ધડાકો દસ્તાવેજોમાં થયો હતો.
બચાવમાં ફેસબુકે કહ્યું હતું કે ઈઝરાયેલી કંપની પાસેથી સોફ્ટવેરના કેટલાક ટૂલ્સ ખરીદવાની પેશકશ થઈ હતી, પરંતુ તેનો ઉપયોગ હેકિંગમાં કરવાનો ઈરાદો ન હતો.ફેસબુકના દાવા પ્રમાણે એ ટૂલ્સથી ફેસબુક યુઝર્સના ડિવાઈસની માહિતી મેળવીને તેમને એ પ્રમાણેની એપ આપવાનો પ્રોજેક્ટ હતો.