અમદાવાદ,તા. 16 મે 2022,સોમવાર : કોર્પોરેટરોનું સન્માન કર્યું મારું કેમ નહી? તેમ કહી શખ્સે નરોડાની ગોપીનાથ સોસાયટીમાં રવિવારે બપોરે હંગામો કર્યો હતો. તલવાર સાથે નશામાં ધૂત થઈ ફરતા આ શખ્સે ટીઆરબી (ટ્રાફિક બ્રિગેડ) જવાનની પત્ની અને પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.સોસાયટીના લોકોએ શખ્સને ઝડપી પોલીસને સોંપ્યો હતો.પોલીસે પ્રોહીબિશન એકટ અને મહિલાને ધમકી આપવા અંગેના બે અલગ અલગ ગુના દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.
નરોડાની ગોકુલધામ સોસાયટીમાં રહેતા ચંદ્રકલાબહેન વોરાએ આરોપી શૈલેષ કાળીદાસ મકવાણા (રહે, ગોકુલ પાર્ક,નરોડા) વિરૂધ્ધ ફરિયાદ કરી છે.જે મુજબ રવિવારે બપોરે ચંદ્રકલાબહેન તેઓની 15 અને 9 વર્ષની પુત્રી સાથે ઘરે એકલા હતા.ફરિયાદીના ટીઆરબી જવાન પતિ પિયુષકુમાર કણભા પોલીસ સ્ટેશન ફરજ પર ગયા હતા.બપોરે તે સમયે બાજુની સોસાયટીમાં રહેતો શૈલેષ મકવાણા ફરિયાદીના ઘર પાસે આવ્યો હતો.શૈલેષ ફરિયાદીને કહેવા લાગ્યો કે, તમે સોસાયટીમાં કોર્પોરેટરોનું સન્માન કર્યું, મારૂં કેમ ના કર્યું?
ફરિયાદીએ જણાવ્યું કે, તે લોકોનું સન્માન સોસાયટીએ કર્યું છે,મેં નથી કર્યું. તમે દારૂ પીધેલા છો, તમારા ઘરે જતા રહો.આથી, ઉશ્કેરાયેલા શૈલેષે અચાનક ફરિયાદીને અપશબ્દો બોલવાનું કર્યું હતું.ડરી ગયેલા ફરિયાદી ચંદ્રક્લાબહેને ઘરનો દરવાજો બંધ કરી દેતા આરોપી જતો રહ્યો હતો.થોડીવાર પછી પરત શૈલેષ ખુલ્લી તલવાર લઈ ફરિયાદી મહિલાના ઘરે પહોંચ્યો હતો.શૈલેષએ જાહેરમાં ખુલ્લી તલવાર સાથે ધમકી આપી કે, બહાર નીકળ આજે તને અને તારા પરિવારને જાનથી મારી નાંખીશ.નશામાં ધૂત આરોપી જોર જોરથી બોલતો હતો.ફરિયાદી મહિલાએ બુમો પાડતા આસપાસના લોકો દોડી આવ્યા અને આરોપી શૈલેષને પકડી પોલીસને જાણ કરી હતી.નરોડા પોલીસે આરોપી વિરૂધ્ધ મહિલાની ફરિયાદ આધારે ગુનો દાખલ કર્યો હતો.