મુંબઈ, તા.૨ : નિતિશ રાણા (૪૮*) અને રિન્કુ સિંઘ (૪૨*) વચ્ચેની ૩૮ બોલમાં અણનમ ૬૬ રનની વિજયી ભાગીદારીને સહારે કોલકાતા નાઈટ રાઈડર્સે આઇપીએલમાં હારનો સિલસિલો અટકાવતા રાજસ્થાન સામે સાત વિકેટથી જીત હાંસલ કરી હતી. જીતવા માટેના ૧૫૩ના ટાર્ગેટને કોલકાતાએ ૧૯.૧ ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. કોલકાતાનો આ સતત પાંચ પરાજય બાદનો પહેલો વિજય હતો.જ્યારે રાજસ્થાનની ટીમ મુંબઈ બાદ કોલકાતા સામે હારી હતી.નિતિશ રાણાએ કેપ્ટન શ્રેયસ ઐયર (૩૪) સાથે ત્રીજી વિકેટમાં ૪૩ બોલમાં ૬૦ રન જોડયા હતા.જ્યારે રાજસ્થાન તરફથી બોલ્ટ, પી. ક્રિશ્ના અને કુલદીપે ૧-૧ વિકેટ ઝડપી હતી.
અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સના બોલરોએ કમાલનો દેખાવ કરતાં રાજસ્થાન રોયલ્સના ઈન ફોર્મ બેટસમેનો પર નિયંત્રણ રાખ્યું હતુ.રાજસ્થાન રોયલ્સ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૫૨ રન સુધી જ પહોંચી શક્યું હતુ.સેમસને પીચ પર ટકીને સંઘર્ષ કરતાં ૪૯ બોલમાં ૫૪ રન ફટકાર્યા હતા.જ્યારે આખરી ઓવરોમાં હેતમાયરે ૧૩ બોલમાં જ ૨૭ રન ફટકારતાં ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. નારાયણે ૪ ઓવરમાં માત્ર ૧૯ રન જ આપ્યા હતા.શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ રાજસ્થાનને બેટિંગમાં ઉતાર્યું હતુ.ઉમેશ યાદવે પડિક્કલને બે રને કોટ એન્ડ બોલ્ડ કર્યો હતો.બટલર અને સેમસને સ્કોરને ૫૫ સુધી પહોંચાડયો હતો. ત્યારે બટલર ૨૨ રને સાઉથીની બોલિંગમાં આઉટ થયો હતો.કરૃન નાયર ૧૩ રને અનુકૂલ રોયનો શિકાર બન્યો હતો.સેમસને ૪૯ બોલમાં ૭ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૫૪ રન નોંધાવ્યા હતા.
જોકે ૧૧૫ના સ્કોર પર સતત બે બોલમાં પરાગ (૧૯) અને સેમસન (૫૪) આઉટ થતાં રાજસ્થાન મુશ્કેલીમાં મુકાયું હતુ.હેતમાયરે ૧૩ બોલમાં બે છગ્ગા અને એક ચોગ્ગા સાથે અણનમ ૨૭ રન ફટકારતાં ટીમના સ્કોરને ૧૫૨ સુધી પહોંચાડયો હતો.હેતમાયર અને અશ્વિનની જોડીએ ૧૮ બોલમાં અણનમ ૩૭ રન જોડયા હતા, જેમાં અશ્વિનના અણનમ ૬ રન હતા.