અમદાવાદ : ગુજરાત યુનિ.ની ઉનાળુ સત્રની પરીક્ષાઓ કોરોનાને લીધે સત્ર મોડુ થતા ઉનાળુ વેકેશનમા ગોઠવવી પડી છે અને ૨૬મીમેથી યુજી-પીજી સેમેસ્ટર-૨ની પરીક્ષાઓ શરૃ થઈ રહી છે ત્યારે કોલેજોએ વેકેશનમાં પરીક્ષાનો વિરોધ કર્યો છે.જેને પગલે ગુજરાત યુનિ.ની ૨૬મીથી શરૃ થતી પરીક્ષાઓ પાછી ઠેલાશે.યુનિ.દ્વારા દસ દિવસ પરીક્ષાઓ પાછી ઠેલી પાંચમી કે છઠ્ઠી જુનથી પરીક્ષાઓ શરૃ કરવામા આવે તેવી શક્યતા છે.
કોરોનાને લીધે આ વર્ષે પણ યુનિ.-કોલેજોમાં એકેડમિક સત્ર ખોરવાયુ છે. પ્રથમ સત્ર ખૂબ જ મોડુ થતુ મોડુ પુરુ કરવુ પડય ુ હતુ અને બીજા સત્રમાં શૈક્ષણિક દિવસો ખુટવા છતાં પરીક્ષાઓ નવા સત્ર પહેલા પુરી કરવી પડે તેમ હોઈ ઉનાળુ વેકેશનમાં ગોઠવવી પડી છે.૧લીમેથી યુનિ.-કોલેજોમાં ઉનાળુ વેકેશન પડી ગયુ છે પરંતુ યુનિ.દ્વારા ૧૦મીમેથી યુજી-પીજી સેમેસ્ટર-ત્રણ અને પાંચની રીપિટર પરીક્ષાઓ તેમજ એલએલબી સેમેસ્ટર-૨ની પરીક્ષાઓ શરૃ થઈ રહી છે.ત્યારબાદ બીજા તબક્કામાં યુજી-પીજી સેમેસ્ટર-૨ની પરીક્ષાઓ શરૃ થનાર છે.કેટલીક કોલેજોના આચાર્યોએ હાલના વેકેશનમાં પરીક્ષાને લઈને વિરોધ નોંધાવ્યો છે અને યુનિ.ને ૨૬મીથી શરૃ થતી પરીક્ષાઓ પાછી ઠેલવા રજૂઆત કરી છે.
કોલેજોની રજૂઆત છે કે ઉનાળુ વેકેશન અધ્યાપકો-આચાર્યો સહિતના શૈક્ષણિક સ્ટાફ માટે મહત્વનું હોય છે અને હાલ ગરમી પણ ખૂબ જ છે તેમજ સુપરવાઈઝર સહિતનો પરીક્ષાનો સ્ટાફ પણ પુરતી સંખ્યામાં મળી શકતો નથી.આ પરીક્ષાઓમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓ છે.જેથી યુનિ.ની પરીક્ષાઓ પાછી ઠેલી જુનમાં રાખવામા આવે.જો કે બીજી બાજુ ૨૦૨૨-૨૩નું શૈક્ષણિક વર્ષ ૧૫મી જુનથી શરૃ કરી દેવામા આવનાર છે.૧૪મી જુન સુધી ઉનાળુ વેકેશન છે ત્યારે ગુજરાત યુનિ.દ્વારા જો પરીક્ષાઓ પાછી ઠેલી વધુ મોડી કરાશે તો નવુ સત્ર પણ ખોરવાશે.ગુજરાત યુનિ.દ્વારા પાંચમી કે છઠ્ઠી જુનથી યુજી-પીજી સેમેસ્ટર-૨ની પરીક્ષાઓ શરૃ કરવામા આવે તેવી શક્યતા છે અને ૧૪મી જુન પહેલા પૂર્ણ કરી દેવા પ્રયત્ન કરાશે.હજુ સુધી યુનિ.દ્વારા પરીક્ષાઓ પાછી ઠેલવા અને ક્યારથી પરીક્ષાઓ શરૃ કરવી તે અંગે નિર્ણય લેવાયો નથી.