બારડોલી : સુરત અને તાપી જિલ્લાના વિદ્યાર્થીઓમાં શિક્ષણની જ્યોત જગાવતી બારડોલીની બે કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સામેલ કરવાના પરિપત્રને લઈ બારડોલી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બારડોલી પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપી આ સુધારો પાછો ખેંચવા જણાવ્યુ હતું.
બારડોલી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આપેલ આવેદન પત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારે તા-25-05-2021 ના રોજ ગેઝેટ પ્રસિદ્ધ કરી સરકારના અનુદાનથી ચાલતી કોલેજોને તેના સંચાલક મંડળ દ્વારા ચલાવાતી ખાનગી યુનિવર્સિટી સાથે જોડાવાની ફરજ પાડી છે.જે અંતર્ગત બારડોલીની પી.આર.બી આર્ટ્સ એન્ડ પી.જી.આર કોમર્સ કોલેજ તથા ધી પાટીદાર જીન સાયન્સ કોલેજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અલગ થઈ બારડોલી પ્રદેશ કેળવણી મંડળ દ્વારા સંચાલિત ઉકા તરસાડીયા યુનિવર્સિટી સાથે જોડાઈ ગઈ છે.જે એક ખાનગી યુનિવર્સિટી છે.
ઉપરોક્ત બંને કોલેજો છેલ્લા પચાસ કરતાં વધુ વર્ષોથી આ પ્રદેશની સામાન્ય, ગરીબ,મધ્યમવર્ગની શિક્ષણની જરૂરિયાત સંતોષે છે.હવે તે ખાનગી યુનિવર્સિટીનો ભાગ બની જતાં શિક્ષણ મોંઘું થશે.સાથે આ બંને કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકો અને કર્મચારીઓની નોકરીની શરતો પર પણ ગંભીર અસર પડશે.આ પ્રદેશના સેંકડો ગરીબ તેમજ મધ્યમવર્ગીય પરિવારોના બાળકોએ દૂરની અન્ય સરકારી તેમજ અનુદાનિત કોલેજોમાં પ્રવેશ લેવો પડશે અને તેમની હાલાકી વધશે.જેને લઈ બારડોલી શહેર કોંગ્રેસ દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપી પ્રાઈવેટ યુનિવર્સિટીમાં કરેલા સુધારો પાછો ખેંચી લેવા અને આ બંને કોલેજોને સરકારની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સાથે રહે જેથી કરીને સુરત તેમજ તાપી જિલ્લાના ગરીબ તેમજ મધ્યવર્ગીય વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે મુજબનું જણાવ્યુ હતું


