સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ કોલ ઈન્ડિયા લિમિટેડની સબસિડિયરી કંપની મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડ (MCL)ના ચાર અધિકારીઓ અને અદાણી જૂથની બે કંપની અને વેદાન્તા લિમિટેડ સહિત ૨૫ જાણીતી કંપનીઓ સામે ૨૦૧૩થી ૨૦૧૭ દરમિયાન કોલસાનો પુરવઠો પૂરો પાડવાના કેસમાં છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્રનો કેસ નોંધ્યો છે. MCLના ચાર અધિકારીઓએ તેમના અધિકારોનો દુરુપયોગ કર્યો હોવાથી MCLને ૯૭ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
CBI દ્વારા જે કંપનીઓનાં નામ નોંધવામાં આવ્યાં છે એમાં ભારતના જાણીતા કોર્પોરેટ હાઉસો જેવા કે અદાણી પાવર, અદાણી પાવર મહારાષ્ટ્ર, જિંદાલ સ્ટીલ, વેદાન્તા, ACC લિમિટેડ અને ઈમામી બાયોટેકનો સમાવેશ છે.
આ કેસની FIR મુજબ MCLના અધિકારીઓએ તેમના અધિકારોનો દુરુપયોગ કરીને કોલ સપ્લાય એગ્રીમેન્ટની શરતોને આધીન રહ્યા વિના ૨૫ કોર્પોરેટ હાઉસોને કોલસો પૂરો પાડયો હતો.
આ અધિકારીઓએ ખોટા રેકોર્ડ્સ તૈયાર કર્યા હતા અને કન્ઝયુમરો પાસેથી પરફોમન્સ ઇન્સેન્ટિવ (PI) અને વળતર વસૂલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ તમામના કારણે MCLને આશરે ૯૭ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
MCLના અધિકારીઓએ ૨૫ કંપનીઓની અયોગ્ય રીતે તરફેણ કરીને તેમને કોલસાની સપ્લાય કરતાં પહેલાં એડવાન્સની માગણી કરી નહોતી. FIRમાં જણાવવામાં આવ્યું છે કે MCLના જે અધિકારીઓ સામે આક્ષેપો માંડવામાં આવ્યા છે એ પ્રથમદર્શી રીતે લાંચના છે અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, ૧૯૮૮ હેઠળ સજાને પાત્ર છે.
એમાં નોંધવામાં આવ્યું છે કે આ અધિકારીઓએ કોઈ પણ પ્રકારના રેકોર્ડ્સ જાળવ્યા નહોતા. કંપની પાસે કોલસાનો પૂરતો જથ્થો ન હોય ત્યારે પણ કોલસાનો પુરવઠો આ કંપનીઓને કરવામાં આવ્યો હતો. કંપનીઓ દ્વારા યોગ્ય સમયગાળા દરમિયાન પેમેન્ટ કરવામાં આવ્યું નહોતું ત્યારે આ અધિકારીઓએ તેમને બિલનું પેમેન્ટ કરી દેવાની નોટિસો પણ મોકલી નહોતી.
આ કેસની ફરિયાદ કોલ ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અનિલકુમાર ઝાએ કરી હતી અને ૨૦૨૦ના જાન્યુઆરીમાં CBIને તમામ આક્ષેપો મોકલ્યા હતા. આ કેસની તપાસ CBI ભુવનેશ્વરના એન્ટિ કરપ્શન બ્યૂરોના ઈન્સ્પેક્ટર અક્ષય કુમાર નંદાને સોંપવામાં આવી છે.
ચાર અધિકારી કોણ?
જેમની સામે કેસ નોંધાયો છે એ ચાર અધિકારી MCLના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા. આ અધિકારીઓમાં ચીફ મેનેજર કાબેરી મુખરજી, સિનિયર મેનેજરો અનિલ કુમાર ભૌમિક અને દેબજ્યોતિ ચક્રવર્તી અને ડેપ્યુટી મેનેજર શ્રીપલ્લી વીરાગંટાનો સમાવેશ છે. CBIના કહેવા મુજબ MCLના આ અધિકારીઓએ ૨૫ કંપનીઓને અનેક રીતે મદદ કરી હતી.
આ અધિકારીઓએ વળતર માટે કે PI માટે આ કંપનીઓને નોટિસ મોકલી નહોતી. ફ્યૂઅલ સપ્લાય એગ્રીમેન્ટમાં આ બે શરતો મૂકવામાં આવી છે. આના કારણે આ કંપનીઓએ તેમની PI કે વળતરના ડયૂઝ MCLને ચૂકવ્યા નહોતા. આના કારણે MCLને ૮૬ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
જાણી જોઈને સાઠગાંઠ કરી
CBIએ જણાવ્યું હતું કે ૨૦૧૩થી ૨૦૧૭ના સમયગાળા દરમિયાન MCLના ચાર અધિકારીઓએ ૨૫ કોર્પોરેટ હાઉસ સાથે સાઠગાંઠ કરી હતી અને એના કારણે MCLને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. આ અધિકારીઓએ જાણી જોઈને આમ કર્યું હતું અને એમને ખબર હતી કે એના કારણે MCLને આર્થિક નુકસાન થઈ શકે છે.