વોશિંગ્ટન, તા. ૧૮ :. કોરોના વાયરસના પ્રસારને લઈને અમેરિકા અને ચીન વચ્ચે ટક્કર વધતી જાય છે.અમેરિકાના વિદેશ મંત્રી પોમ્પિયોએ હવે ચીન પર સૌથી મોટો આરોપ મુકયો છે. તેમનુ કહેવુ છે કે ચીને પોતાના લોકોના જાણીજોઈને પોતાના દેશની બહાર જવા દીધા જ્યારે તેને ખબર હતી કે કોરોના વાયરસનું ટ્રાન્સમિશન વધી શકે છે.એક મુલાકાતમાં પોમ્પિયોએ કહ્યુ હતુ કે ચીનને વાયરસની ખબર હતી છતા પણ લોકોને બહાર જવા દીધા. જ્યારે કોરોના વાયરસ આવ્યો તો લોકો દુનિયામાં કેમ ફરતા હતા ? ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીને તેના જવાબની ખબર હશે કારણ કે તેઓ જ જાણતા હતા કે કોરોનાનું ટ્રાન્સમિશન થશે.
તાજેતરમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યુ હતુ કે હું ચીનના રાષ્ટ્રપતિ સાથે હાલ વાત કરવા માંગતો નથી.જો સ્થિતિ બગડશે તો અમેરિકા ચીન સાથેના પોતાના સંબંધો તોડી નાખશે.પોમ્પિયોએ કહ્યુ છે કે અમને ખબર છે કે ડીસેમ્બરમાં જ ચીની સરકારને વાયરસ અંગે ખબર પડી ગઈ હતી. જો તમે તેના નિર્ણયો જુઓ તો એવા છે જેનો હું ઉલ્લેખ કરૂ છું.વિદેશ મંત્રીએ કહ્યુ હતુ કે અમેરિકાએ સૌથી પહેલા ચીનની ફલાઈટ રોકી પરંતુ ત્યાં સુધીમાં યુરોપમાં વાયરસ ફેલાય ગયો હતો.જ્યારે પોમ્પિયોને પુછાયુ કે શું અમેરિકા ચીન સાથેના સંબંધો તોડી નાખશે ? તો તેમણે કહ્યુ હતુ કે આનો નિર્ણય રાષ્ટ્રપતિ કરશે અને તેઓ જે કહેશે તે અંતિમ હશે.
અત્રે નોંધનીય છે કે અમેરિકામાં ૯૦,૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. દરમિયાન અમેરિકાએ ચીન વિરૂદ્ધ એક સ્પેશ્યલ પ્લાન ઘડયો છે જેમા ચીનને પાડી દેવાની વાત છે.અમેરિકાએ ૧૮ સૂત્રી કાર્યક્રમ ઘડયો છે જેનાથી ચીનની ગેઈમ ઓવર થઈ જશે.કોરોનાને લઈને ચીન વિશ્વના નિશાના પર છે. ચીનના એક એક જુઠાણાને લઈને હવે વિશ્વ તેનો બોયકોટ કરવા લાગી છે. આ પ્લાન હેઠળ ચીનના જુઠાણાનો પર્દાફાશ થશે.જેમાં આર્થિક, મિલીટ્રી, કુટનિતીક મોરચો હશે.